Vadodara Crime : વડોદરાથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતાએ પહેલા બે દીકરીઓને ઝેર આપી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો, મોત ન થતા બંનેનું ગળુ દબાવી હત્યા કરી દીધી. ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આપઘાત કરવાની કોશિસ કરી પરંતુ પાડોશી જોઈ જતા બચાવી લેવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના કારોલીબાગ વિસ્તારમાં અક્ષતા સોસાયટીમાં એક મહિલાએ તેની દીકરીઓને ઝેરી દવા પીવડાવી મોત આપી આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો હતો. જોકે, માતાને પાડોશીઓએ બચાવી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે.
કેમ માતાએ આવું પગલું ભર્યું?
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પ્રાથમિક તપાસમાં મોત પાછળનું કારણ આર્થિક સંકડામણ સામે આવી રહ્યું છે. હાલમાં બે દીકરીઓની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે મહિલાને સારવાર માટે મોકલવામાં આવી છે. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.
પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, અક્ષતા સોસાયટીમાં દક્ષાબેન ચૌહાણ થોડા દિવસો પહેલા જ ભાડે રહેવા આવ્યા હતા. તેઓ તેમની બે દીકરી હની ચૌહાણ અને શાલીની ચૌહાણ સાથે રહેતા હતા. મોટી દીકરી કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી, જ્યારે નાની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી.
પોલીસને પાડોશીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, દક્ષાબેન આપઘાત કરી રહ્યા હતા ત્યારે પાડોશીએ જોતા બૂમો પાડી તેમને ઝાપટ મારી નીચે ઉતાર્યા અને બચાવી લીધા. આ પહેલા તેમના ઘરમાંથી કોઈ વ્યક્તિ પણ બહાર આવ્યો હોવાનું કહેવામાં આવ્યું ચે, પોલીસને શંકા છે કે આ ઘટનામાં કોઈ ત્રીજુ પણ સામેલ હોઈ શકે છે.
આ પણ વાંચો – ગુજરાત વરસાદ આગાહી: આજે થોડી રાહત બાદ આવતીકાલથી ફરી ભારે વરસાદ ચાલુ રહેશે
વડોદરા ડીએસપી પન્ના મોમાઈ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસને ઘરમાંથી ઝેરી દવાની બાટલી મળી આવી છે. પોલીસે હાલમાં એફએસએલની પણ મદદલ લઈ આગળી તપાસ શરૂ કરી છે.