Vadodara School Bomb threat : સ્કૂલોને બોમ્બની ધમકીઓ મળવાનો સીલસીલો થમવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા દિલ્હીમાં સ્કૂલોને બોમ્બની ધમકીઓ મળતી હતી. હવે ગુજરાતના વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બ હોવાની ધમકી મળી હતી. વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને મેઈલ મળ્યો હતો. બોમ્બની ધમકીના પગલે સ્કૂલ અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. અને સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નવરચનાની ત્રણ સ્કૂલો છે. એક ભાયલી અને બે સમા વિસ્તારમાં આવેલી છે. આ ત્રણેય જગ્યા પર બોમ્બ સ્ક્વોર્ડની ટીમો પહોંચીને તપાસ શરું કરી છે.
ઇમેઈલ દ્વાર મળી ધમકી
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે શુક્રવારે વહેલી સવારે નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી ભર્યો ઈમેઈલ પ્રિન્સિપાલને આવ્યો હતો. જેના પગલે સ્કૂલ તંત્રએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત બોમ્બ સ્ક્વોર્ડની અલગ અલગ ટીમો નવરચનાની ત્રણેય સ્કૂલો પર પહોંચી ગઈ હતી. અને સ્કૂલો સહિત આજુ બાજુના વિસ્તારોમાં પણ સર્ચ આપરેશન હાથ ધર્યું હતું.
તંત્ર દ્વારા દરેકની થઈ રહી છે તપાસ
ઘટના અંગે વધુ મળતી માહિતી પ્રમાણે નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગમાં બોમ્બની ધમકી મળી ન હોવાથી ખાલી કરાવવામાં આવ્યું નથી. હાલ ત્રણેય સ્કૂલમાં બાળકોને પ્રવેશ અપાયો નથી. જોકે, તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના બેગ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટી બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું નથી. યુનિવર્સિટી બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ-પ્રોફેસરો જઈ રહ્યા છે. માત્ર સ્કૂલ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
સુરક્ષા કાફલો ઘટના સ્થળે
ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ પણ નવરચના યુનિવર્સિટી ખાતે પહોંચી ગઈ છે. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો અંદર ગઈ છે. યુનિવર્સિટીની બહાર પોલીસ કાફલો ખડકાઈ ગયો છે. સ્કૂલ બસોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.





