Vande Bharat Train Accident: વંદેભારત એક્સપ્રેસ ટ્રેન એકવાર ફરીથી અકસ્માતનો ભોગ બની છે. ગુજરાતના વલસાડમાં વંદે ભારત ટ્રેન સાથે અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. ટ્રેન સાથે ગાયની ટક્કર થઈ હતી. આ ટક્કરમાં ટ્રેનનો આગળના ભાગે નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી ચાર વખત પશુઓ ટકરાઈ ચુક્યા છે. પહેલા બે અકસ્માત અમદાવાદ અને પછી આણંદ પાસે ટ્રેન સાથે પશુઓની ટક્કર થઈ હતી. હવે ચોથી વખત વલસાડ પાસે ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી.
આ જ મહિનામાં 6 અને 7 ઑક્ટોબરે ઉપરાઉપરી બે વખત વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો. જ્યારે 8 ઑક્ટોબરે મુંબઈ જઈ રહેલી આ ટ્રેનનો આણંદ નજીક અકસ્માત સર્જાયો હતો.
ગાંધીનગરથી મુંબઈ વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દક્ષિણ ગુજરાતના વલસાડમાં એકવાર ફરીથી ગાય ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો. વંદે ભારત એક્સપ્રેસનો અતુલ સ્ટેશન નજીક અકસ્માત થયો હતો. શનિવારે સવારે આ ટ્રેન સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક્સપ્રેસ ટ્રેનનું કપલર કવર પણ ક્ષતિગ્રસ્ત થયું હતું. આ ઉપરાંત બીસીયુ કવર પણ ડેમેજ થયું હતું.
જાન-માલના નુકસાનના સમાચાર નથી
ટ્રેનના એન્જિનના નીચેના ભાગમાં પણ નુકસાન થયું છે. હાલમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. દુર્ઘટના બાદ ટ્રેન થોડો સમય રોકાઈ ગઈ હતી. રેલ્વે વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ટ્રેન 15 મિનિટ માટે રોકાઈ
આ વિશે માહિતી આપતા ભારતીય રેલ્વેએ જણાવ્યું કે, “વંદે ભારત ટ્રેન શનિવારે સવારે 8.17 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં અતુલ પાસે પશુઓ સાથે અથડાઈ હતી. ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર જઈ રહી હતી. ઘટના બાદ લગભગ 15 મિનિટ સુધી ટ્રેનને હોલ્ડ પર રાખવામાં આવી હતી. રેલવેએ કહ્યું કે આગળના કોચ એટલે કે ડ્રાઈવર કોચના નોઝ કોન કવરને નુકસાન સિવાય ટ્રેનને કોઈ નુકસાન થયું નથી. ટ્રેન સરળતાથી ચાલી રહી છે. આ અંગે વહેલી તકે તપાસ કરવામાં આવશે. ઢોરની નાસભાગની આ ઘટનામાં એક બળદ ઘાયલ થયો છે.
અગાઉ મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ 7 ઓક્ટોબરે ગુજરાતના આણંદ સ્ટેશન નજીક ઢોર સાથે અથડાઈ હતી અને તેની આગળની પેનલને નજીવું નુકસાન થયું હતું.