ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાતના પાટનગર ગાંધીનગર અને મુંબઇ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ટાઇમ ટેબલ 5 નવેમ્બર, 2022 બદલાશે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી દેખાડ્યાના એક દિવસ બાદ 1 ઓક્ટોબરે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલિઝ અનુસાર, ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર પાટનગર આવતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વાપી સ્ટેશન પર 8.0 કલાકે પહોંચશે, અને ત્યાંથી આ ટ્રેન 8.02 કલાકે ઉપડશે. જ્યારે અગાઉ આ ટ્રેન 8.04 વાગે ત્યાં પહોંચતી હતી અને 8.06 વાગ્યે ત્યાંથી રવાના થતી હતી. ઉપરાંત વંદે ભારત એક્સપ્રેસ સુરત સ્ટેશન પર અગાઉ 09.00 વાગે આવતી હતી અને 09.03 વાગે ઉપડતી હતી તેના બદલે હવેથી આ ટ્રેન સુરત સ્ટેશને 08.55 વાગે આવશે અને 08.58 વાગે ત્યાંથી રવાના થશે.
આવી જ રીતે નવા ટાઇમ ટેબલ અનુસાર ગાંધીનગર પાટનગરથી મુંબઈ સેન્ટ્રલ પાછા ફરતી ટ્રેન નંબર 20902 – વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર 15.53 કલાકે પહોંચશે અને ત્યાંથી 15.56 કલાકે રવાના થશે. અગાઉ આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 15.50 કલાક આવતી હતી અને 15.55 કલાકે રવાના થતી હતી. તો વાપી સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવેથી 18.38 કલાકના બદલે 18.13 કલાકે આવશે અને ત્યાંથી 18.40 કલાકને બદલે 18.15 કલાકે ઉપડશે.
ટ્રેનોના સમયમાં 20 મિનિટનો ફેરફાર
આ રૂટ પર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન બાકીના સ્ટેશનો પર અગાઉના સમય અનુસાર જ પહોંચશે અને રવાના થશે. નોંધનીય છે કે રેલવે વિભાગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં 20 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો 1 મહિનામાં 3 વખત એક્સિડેન્ટ
નોંધનીય છે કે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન શરૂ થયાના થોડાક દિવસો બાદ જ 6 ઓક્ટોબર, 2022ના રોજ અમદાવાદમાં વટવા અને મણિનગર સ્ટેશન નજીક ભેંસ અથડાતા અકસ્માત થયો હતો. આ એક્સિડેન્ટમાં કોઇ જાનહાની તો નહતી થઇ પરંતુ ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યુ હતુ. આ ઘટનાના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ ફરી આ જ ટ્રેન સાથે આણંદના કણજરી-બોરીયાવી સ્ટેશન વચ્ચે ગાય અથડાવાની ઘટના બની હતી. તો 29 ઓક્ટોબરના રોજ વલસાડમાં વંદે ભારત ટ્રેન સાથે ગાયની ટક્કર થતા અકસ્માત થયાના સમાચાર આવ્યા હતા.