ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે અને દરેક સમાજ પોતાના રાજકીય ઉમેદવારને ટિકિટ મળે તેવી માંગણી કરી રહ્યુ છે. જો કે હાલ ઉત્તર ગુજરાતનો ચૌધરી સમાજ ભાજપ સરકારથી નાજર છે અને આજે માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે યોજાયેલા ચૌધરી સમાજના સ્નેહ મિલન સમારોહમાં અર્બુદા સેનાએ શક્તિ પ્રદર્શન કર્યુ હતુ, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તો સમાજના આગેવાનોએ સમાજનો સિંહ બહાર આવશે અને જે ગર્જન કરશે તેના આધારે નિર્ણય કરીશુ તેવો હૂંકાર ભર્યો હતો. આ કાર્યક્રમમાં સૌનું ધ્યાન મંચ ઉપર વચ્ચે મુકાયેલી ખુરશી અને પાઘડી પર હતું. આ પાઘડી એ ચૌધરી સમાજના નેતા વિપુલ ચૌધરીની હાજરીનું પ્રતિક છે.
સમાજનું શક્તિ પ્રદર્શન
આજે ચરાડા ગામ ખાતે ચૌધરી સમાજનું સ્નેહ મિલન અને સામાન્ય સભા યોજાઇ હતી. આ કાર્યક્રમમાં મોટી સમાજમાં ચૌધરી સમાજના આગેવાનો અને લોકો ઉમેટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના અંદાજે બે લાખ જેટલા લોકો હાજર રહ્યા હતા. ચૌધરી સમાજના આ કાર્યક્રમને કોઇ પણ રાજકીય પક્ષ અવગણવાની હિંમત કરશે નહીં.

રાજકીય કાવાદાવા કરવા નહીં, હારી ગયા તો અમારી પર ઠીકરું ન ફોડતા
આ કાર્યક્રમમાં ચૌધરી સમાજના બે લાખ લોકોએ હાજર રહી સમાજનું શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. આ કાર્યક્રમાં ચૌધરી સમાજના આગેવાન મોઘજીભાઇ ચૌધરીએ પોતાના ભાષણમાં કહ્યુ કે, અમારી સાથે રાજકીય કાવાદાવા ન કરતા, પછી જો હારી ગયા તો અમારી પર ઠીકરું ન ફોડતા, તલમાં તેલ હોય એ જોજો, ભાઇ ચાલે એવો છે કે નહીં, રાજકીય પાર્ટીઓ વાળા ટિકિટ આપજો, હારીને ઘરે ગયા પછી અમને બદનામ ન કરતા, 21 તારીખે મને વિશ્વાસ છે કે, આપણો સિંહ બહાર આવવાનો છે, એ દિવસે સિંહની જે ગર્જના હશે તેના આધારે આપણે નિર્ણય કરીશું, અમારો નેતા માત્ર વિપુલ ચૌધરી જ છે, બીજા કોઇ મેન્ડેટવાળા અમારો નેતા નથી. અહીં ‘સિંહ’નો અર્થ વિપુલ ચૌધરી થાય છે, જે હાલ કરોડ રૂપિયાના કૌભાંડના આરોપ હેઠળ જેલમાં છે.
કાર્યક્રમમાં ‘પાઘડી’એ સૌનું ધ્યાન ખેંચ્યું…
જો ખુરશી અને પાઘડીની વાત કરીયે તો ચૌધરી સમાજમાં પાઘડી એ માન-મર્યાદા અને ઇજ્જત-આબરૂનું પ્રતિક છે. ચૌધરી સમાજ વિપુલ ચૌધરીને જ પોતાના નેતા માને છે અને તેમના સિવાય અને કોઇ વ્યક્તિને પોતાનો નેતા માનવા તૈયાર નથી. જ્યારેથી વિપુલ ચૌધરી કરોડો રૂપિયા કૌભાંડના આરોપમાં જેલમાં ધકેલાયા છે ત્યારથી ચૌધરી સમાજ તેમને છોડવા માંગણી કરી રહ્યુ છ. આથી જ્યારે પણ ચૌધરી સમાજનો કોઇ કાર્યક્રમ યોજાયે છે ત્યારે મંચ ઉપર મુકાયેલી વચ્ચેની ખુરશી ખાલી હોય છે અને તેના પર એક સફેદ પાઘડી મુકાયેલી હોય છે. ચૌધરી સમાજના મહંત ઋષિ જાખડ આ પાઘડી લઇને આવે છે.

કૌભાંડના આરોપમાં વિપુલ ચૌધરી જેલમાં
વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના રાજકારણ અને સહકારી દૂધ મંડળી ક્ષેત્રે એક મોટું નામ છે. વિપુલ ચૌધરી એ મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ ચૌધરીના પુત્ર છે. વર્ષ 1960માં દૂધ સાગર ડેરીની સ્થાપના થઇ હતી. વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી છે અને હાલ કૌભાંડના આરોપ હેઠળ જેલમાં ધકેલ્યા બાદ અર્બુદા સેનાનો રોષ ચરમ સીમા પર છે.
વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડે
ચૌધરી સમાજની અર્બુદા સેનાના શક્તિ પ્રદર્શન એક મહત્વપૂર્ણ સમાચાર એ છે કે, વિપુલ ચૌધરી આ વખતે વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. વિપુલ ચૌધરી વિસનગરની સીટ પરથી ચૂંટણી નહીં લડે. દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી વિધાનસભા ચૂંટણી નહી લડે તેવી અર્બુદા સેના દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
કેજરીવાલે છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં જવાનું રદ કર્યું
અગાઉ એવા સમાચાર વહેતા થયા હતા કે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. જેમાં કેજરીવાલની હાજરીમાં વિપુલ ચૌધરી આપમાં જોડાશે અને વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ કાર્યક્રમમાં આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ હાજરી આપવાના હતા જો કે છેલ્લી ઘડીએ તેમણે ત્યાં જવાનું ટાળ્યુ. તો બીજી બાજુ અર્બુના સેના એ કોઇ પણ રાજકીય પક્ષને સમર્થન ન આપવાની જાહેરાત કરી અને માત્ર સામાજીક મુદ્દાઓ પર કામગીરી કરશે. અર્બુદા સેનાએ જાતિગત સમીરકણને ધ્યાનમાં રાખીને ચૂંટણી નહી લડવાનો નિર્ણય લેવાયો છે.
વિપુલ ચૌધરીના પિતાની 103 જન્મજંયતી નિમિત્તે યોજાયો કાર્યક્રમ

વિપુલ ચૌધરીના પિતા અને દૂધ સાગર ડેરીના સ્થાપક સ્વ. માનસિંહ ચૌધરીની આજે 103મી જન્મજયંતી હતી અને તેની ઉજવણી માટે ચરાડા ખાતે આજે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અર્બુદા સેનાએ સમાજનું શક્તિ પ્રદર્શન કર્યુ હતું. ઉપરાંત અર્બુદા સેનાનો પણ 103મો સ્નેહ મિલન કાર્યક્રમ હતો. અત્રે નોંધનિય છે કે, આ કોઇ રાજકીય કાર્યક્રમ ન બને તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મહેસાણાના ચરાડા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો હાજર રહ્યા હતા. સ્વ.માનસિંહ ચૌધરી 100મી જન્મ જયંતિની ઉજવણી કરવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે આ ઉજવણી કાર્યક્રમનું આયોજન શક્ય બન્યુ ન હતુ.