Visavadar By-Election 2025 Result: ગુજરાત વિધાનસભામાં વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17554 મતથી પરાજય આપ્યો છે. ગોપાલ ઇટાલિયાને 75,942 મત મળ્યા હતા જ્યારે કિરીટ પટેલને 58388 મત મળ્યા હતા. કોંગ્રેસના નીતિન રાણપરિયા 5501 મત મળ્યા હતા.
જીત બાદ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે વિસાવદરથી ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થશે. આ ઉપરાંત ગુજરાતમાં યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેની અપીલ કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં સારું કામ કરનારાઓ, કર્મશીલો, સરકારી નોકરી કરનારા લોકો, ગુજરાતના યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે તમે જાગો. પરિવર્તનમાં ભાગ લો, આગળ આવો અને અમારી સાથે જોડાઓ.
ગુજરાતને ભાજપના ચૂંડાલમાંથી છોડાવવાની લડત લડીએ
ગોપાલ ઇટાલિયાએ યુવાનોને કહ્યું કે યુવાનોને લાગણીભરી વિનંતી છે. મારા વ્હાલા યુવાનો જાગો. ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય, ભૂખ, ભ્રષ્ટ્રાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું. દોસ્તો આજે એક-એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો હોય એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે. ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરે છે. હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું. યુવાનો આગળ આવો, તમારો આત્મા જગાડો, તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે તેને ઓળખો. આવો સાથે મળીને ગુજરાતમાં પરિવર્તન લાવવાની અને ગુજરાતને ભાજપના આ ચૂંડાલમાંથી છોડાવવાની લડત લડીએ.
તેમણે આગળ કહ્યું કે મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઇ ચૂક્યા છે. તેની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ આપ્યા છે. આજે અહીં ક્રાંતિનું બીજ રોપાયું અને ઉપરથી આ વરસાદ આવ્યો. ભગવાન પણ ઇચ્છે છે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે.
આ પણ વાંચો – શક્તિસિંહ ગોહિલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું, કડી-વિસાવદર પેટાચૂંટણીમાં પરાજય બાદ કર્યો નિર્ણય
જીત બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે દોસ્તો આ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢની ઐતિહાસિક ધરતી છે, સાંસ્કૃતિક ધરોહર છે. અહીં સંત, શુરા, સાવજ સ્થાન છે એવી ધરતીના આગેવાન તરીકે નેતૃત્વ કરવાની મને તક મળી છે. જનતાએ મારા પર વિશાળ આશાઓ રાખી છે. ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે તેવી મારી પ્રાર્થના છે.
આ એક માઇલસ્ટોન ચૂંટણી છે
તેમણે કહ્યું કે આ ચૂંટણી છે તે એક માઇલસ્ટોન ચૂંટણી છે. આ ચૂંટણી અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી પરંતુ આજે ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે. સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી, સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી. પરંતુ આમ જનતાએ મનમાં ગાંઠ વાળીને મુઠ્ઠી ભેગી કરીને લીધેલા સંકલ્પની તાકાત આ દેશની સૌથી મોટી તાકાત છે.





