Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે. શુક્રવારને 1 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 15 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ જોવા મળ્યો નથી.
27 તાલુકામાં ઝરમર વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 1 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં ફક્ત 27 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં 15 મીમી, કુકરમુંડામાં 8 મીમી, દાંતા, ડેડિયાપાડા, મહુવામાં 7 મીમી, નિઝરમાં 6 મીમી, રાજુલામાં 5 મીમી, કામરેજમાં 4 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 19 તાલુકામાં 3 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલના સંજોગોમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. બે ઓગસ્ટથી પાંચ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગે 5 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હળવા વરસાદની આગાહી કરી છે, 6 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિ ફરી વધી શકે તેવી શક્યતા છે.
આ પણ વાંચો – ભાવનગર અયોધ્યા વચ્ચે સાપ્તાહિક ટ્રેન શરૂ, રજીસ્ટ્રેશન બાદ મફતમાં મુસાફરી
રાજ્યમાં સિઝનનો કુલ 62.93 ટકા વરસાદ
1 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 62.93 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.38 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.84 ટકા, સૌરાષ્ટ્રમાં 55.09 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 66.93 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 1 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 274454 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 82.15% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 375105 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 67.21% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 30 છે. 52 ડેમ હાઇએલર્ટ પર અને 23 ડેમ એલર્ટ પર છે.