Gujarat Rain Weather Forecast Update : ગુજરાતમાં વરસાદની વિદાય થતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારને 11 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં ફક્ત 1 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના અબડાસામાં 1 મીમી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના તમામ જિલ્લાના છૂટછાવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય ક્યાંક ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઇ નથી. રાજ્યમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા છે. 14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. માછીમારોને 15 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.
રાજ્યમાં સિઝનનો 107.76 ટકા વરસાદ
11 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 107.76 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 135.91 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110.10 ટકા, સૌરાષ્ટ્રમાં 93.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 110.70 ટકા વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – IIM અમદાવાદનું કેમ્પસ દુબઈમાં શરુ થયું, ધર્મેન્દ્ર પ્રધાન અને ક્રાઉન પ્રિન્સે કર્યું ઉદ્ઘાટન
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 11 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 303903 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 90.37% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 494764 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 88.68% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 107 છે. 138 ડેમ હાઇ એલર્ટ પર અને 19 ડેમ એલર્ટ પર છે.