Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. મંગળવારને 12 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે રાજકોટ તાલુકામાં 14 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.
50 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 12 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટમાં 14 મીમી, કુતિયાણા, સુત્રાપાડામાં 9 મીમી, લોધિકા, ધોરાજીમાં 8 મીમી, જામ કંડોરાણા, કોડીનારમાં 7 મીમી, જેતપુર, વિસાવદર અને બગસરામાં 6 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 40 તાલુકામાં 1 થી લઇને 5 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 16 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી તથા લોકમેળા દરમિયાન લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે.
આ પણ વાંચો – સાતમ આઠમ પર 3 દિવસનું મિનિ વેકેશન, સોમનાથ દ્વારકાની બસ – ટ્રેન ફુલ, હોટેલ રૂમ ભાડા પણ વધ્યા
રાજ્યમાં સિઝનનો કુલ 64.48 ટકા વરસાદ
12 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 64.48 વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 65.17 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 66.62 ટકા, સૌરાષ્ટ્રમાં 56.41 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 68.95 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 12 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 251508 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 75.28% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 390131 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 69.33% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 30 છે. 51 ડેમ હાઇ એલર્ટ પર અને 27 ડેમ એલર્ટ પર છે.





