Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો નવા રાઉન્ડ શરુ થયો છે. શુક્રવારને 15 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના વિજયનગરમાં 1.73 ઇંચ વરસાદ વરસ્યો છે.
39 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 15 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વિજયનગરમાં 44 મીમી, મેઘરજમાં 43 મીમી, ભિલોડામાં 20 મીમી, સુરત શહેરમાં 19 મીમી, વંથલીમાં 18 મીમી, નવસારીમાં 16 મીમી, મોડાસા, ચોર્યાસીમાં 15 મીમી અને રાજુલામાં 12 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 30 તાલુકામાં 1 થી લઇને 8 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના મતે ગુજરાતમાં 19 ઓગસ્ટ સુધી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ, કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, પૂર્વ પશ્ચિમ મોન્સૂન ટ્રફ સહિત ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે વરસાદની તીવ્રતા વધશે.
16 ઓગસ્ટ અને શનિવારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો – રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાનું ઉદ્ઘાટન, “શૌર્યનું સિંદૂર” નામ આપવામાં આવ્યું
રવિવારે, 17 મી ઓગસ્ટે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ સિવાય પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદ શહેરમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. એસજી હાઇવે, બોડકદેવ સહિતના વિસ્તારમાં વિજળીના કડાકા સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ સર્જાતા બફારામાંથી લોકોને રાહત મળી શકે છે.
રાજ્યમાં સિઝનનો કુલ 65.13 ટકા વરસાદ
15 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 65.13 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 65.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.23 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 66.72 ટકા, સૌરાષ્ટ્રમાં 57.65 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 69.83 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 15 ઓગસ્ટને સવારના 8 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 250375 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.94% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 392033 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 70.27% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 30 છે. 51 ડેમ હાઇ એલર્ટ પર અને 26 ડેમ એલર્ટ પર છે.