Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો નવો ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. મંગળવારને 19 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં 5.43 ઇંચ વરસાદ વરસ્યો છે. 10 તાલુતામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
83 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં મંગળવારને 19 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં દ્વારકામાં 5.43 ઇંચ, કલ્યાણપુરમાં 5.08 ઇંચ, માંગરોળમાં 3.74 ઇંચ, ઉમરગામમાં 2.64 ઇંચ, માંડવીમાં 1.97 ઇંચ, માળિયા હાટિનામાં 1.65 ઇંચ, જામજોધપુર 1.61 ઇંચ, નખત્રાણા 1.26 ઇંચ, બગસરા અને વાપીમાં 1.14 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 73 તાલુકામાં 1 થી લઇને 23 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
હવામાન વિભાગ દ્વારા આવતીકાલ 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં જ્યારે 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો – ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમે
NDRFની 12 ટીમ અને SDRFની 20 ટીમ તૈયાર
બેઠકમાં NDRF અને SDRF અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકએ સૂચના આપી હતી.
રાજ્યમાં સિઝનનો કુલ 69.85 ટકા વરસાદ
19 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 69.85 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 70.38 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.25 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 69.48 ટકા, સૌરાષ્ટ્રમાં 66.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 72.68 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 19 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 258392 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 77.34% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 413733 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.16% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 37 છે. 64 ડેમ હાઇ એલર્ટ પર અને 27 ડેમ એલર્ટ પર છે.