Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનું જોર યથાવત્ છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે. શનિવારને 23 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના ધરમપુરમાં 4.21 ઇંચ વરસાદ વરસ્યો છે.
60 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 23 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 60 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં ધરમપુરમાં 4.21 ઇંચ, જૂનાગઢના ભેંસાણમાં 4.17 ઇંચ, નર્મદાના નાંદોદમાં 3.70 ઇંચ, વલસાડના પારડીમાં 3.54 ઇંચ, તાપીના વ્યારામાં 3.21 ઇંચ, સોનગઢમાં 2.87 ઇંચ, વડોદરાના શિનોરમાં 2.72 ઇંચ, નવસારીના ખેરગામમાં 2.68 ઇંચ, મહેસાણાના વિસનગરમાં 2.60 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 2.56 ઇંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મમાં 2.48 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં 1 મીમી થી લઇને 60 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. સવારથી જ વરસાદ શરુ થયો હતો. બપોર પછી ધોધમાર વરસાદ શરૂ પડ્યો હતો. જેના કારણે ઘણા સ્થળો પર પાણી પર ભરાઇ ગયા હતા. વાહનચાલકો પણ અટવાઇ ગયા હતા અને ટ્રાફિકમાં ફસાયા હતા. અમદાવાદમાં સરેરાશ 1 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, 1,400 કરોડ રુપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.