Weather Forecast Update in Gujarati: અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.
ઊંઝા, મહેસાણામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે શનિવારે વહેલી સવારે ભારે પવન સાથે ઊંઝા અને મહેસાણામાં વરસાદ નોંધાયો હતો. રસ્તા પર પાણી જોવા મળ્યા હતા. પાલનપુર, ઊંઝા, મહેસાણ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વેરાવળ, ગીર સોમનાથ અને સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો. દરિયામાં કરંટ હોવાથી અમરેલીના જાફરાબાદમાં ઊંચાં મોજાં ઉછળતા જોવા મળ્યાં હતાં. ડુમસ બીચ પર ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં ફરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. ખેતરોમાં તૈયાર ઊભેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મગફળી, કપાસ અને સોયાબીન સહિતના અન્ય પાકોમાં નુકસાન થવાની સંભાવના છે.
હવામાન વિભાગની 26 ઓક્ટોબરની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 ઓક્ટોબરના રોજ બોટાદ, ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે વલસાડ, ડાંગ, નવસારી, ભરુચ, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં યલ્લો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો – ગુજરાતમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે છ-લેન રોડનું ભૂમિપૂજન, આ વિસ્તારો સુધી પહોંચવું સરળ બનશે
જ્યારે 27 ઓક્ટોબરે વલસાડ, ડાંગ, નવસારી, ભરુચ, સુરત, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.





