Gujarat Rain Weather Forecast Update : એક તરફ રાજ્યના કેટલાક ભાગોમાં ચોમાસાની વિદાય થઇ ગઇ છે પણ બીજી તરફ કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સોમવારે સૌરાષ્ટ્રના ભારે વરસાદ જોવા મળ્યો હતો. નવરાત્રીમાં વરસાદ પડવાના કારણે ખેલૈયાઓ નિરાશ થયા છે. સોમવારને 29 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
100 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 29 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં 100 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 8 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જેમાં માંગરોળમાં 4.02 ઇંચ, કેશોદમાં 2.01 ઇંચ, ઉનામાં 1.93 ઇંચ, તલાલામાં 1.89 ઇંચ, માળિયા હાટીનામાં 1.85 ઇંચ, વેરાવળમાં 1.50 ઇંચ, સુત્રાપાડામાં 1.30 ઇંચ, કોડીનારમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો છે. આ સિવાય અન્ય 92 તાલુકામાં 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે કચ્છ, જામનગર અને અમરેલીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો – દિવાળી અને છઠ માટે ગુજરાત થઈને ચાલનારી 3 ખાસ ટ્રેનોની જાહેરાત; જાણો સ્ટોપેજ અને સમય
રાજ્યમાં સિઝનનો 115.10 ટકા વરસાદ
29 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 115.10 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.17 ટકા, સૌરાષ્ટ્રમાં 101.96 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 29 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 326236 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 97.65% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 531666 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 95.30% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 114 છે. હાઇ એલર્ટ પર 150 ડેમ અને એલર્ટ પર 15 ડેમ છે.