Weather Forecast Update in Gujarati: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. દિવાળી ગઇ છે અને ઠંડીની સિઝન શરુ થઇ છે થતા વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં 31 ઓક્ટોબરના રોજ 67 તાલુકામાં વરસાદની હાજરી જોવા મળી છે. જેમાં સૌથી વધારે અમરેલીના રાજુલામાં 2.91 ઇંચ વરસાદ વરસ્યો છે.
67 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 31 ઓક્ટોબરના રોજ સવારના 6.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 3 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જેમાં રાજુલામાં 2.91 ઇંચ, જાફરાબાદમાં 1.46 ઇંચ, તળાજામાં 1.10 ઇંચ વરસાદ થયો છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હાલમાં અરબી સમુદ્રમા સર્જાયેલું ડિપ્રેશન વેરાવળના દરિયાકિનારાથી 400 કિમી, મુંબઈના તટથી 510 કિમી, પણજીના દરિયાકિનારાથી 660 કિમીના અંતરે છે. આગામી 36 કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પાર કરે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારને 1 નવેમ્બરે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલાંક સ્થળે હળવો વરસાદ પડવાની આગાહી છે.
આ પણ વાંચો – ગુજરાતમાં કેજરીવાલે કહ્યું – હર્ષ સંઘવીને સુપર સીએમ અને ભૂપેન્દ્ર પટેલને ડમી CM બનાવી દીધા
રાજ્યમાં સિઝનનો 126.78 ટકા વરસાદ
31 ઓક્ટોબર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 126.78 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 149.77 ટકા, ઉત્તર ગુજરાતમાં 126.45 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 125.27 ટકા, સૌરાષ્ટ્રમાં 120.20 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 131.83 ટકા વરસાદ વરસ્યો છે.





