Gujarat Rain Weather Forecast Update: રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે 5 જુલાઇના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય કપરાડામાં 4.21 ઇંચ વરસાદ વરસ્યો છે.
65 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 5 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 177 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 65 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં દ્વારકામાં 4.25 ઇંચ, કપરાડામાં 4.21 ઇંચ, જેતપુર પાવીમાં 3.9 ઇંચ, કલ્યાણપુરમાં 3.82 ઇંચ, વ્યારા અને ધરમપુરમાં 3.54 ઇંચ, ડોલવણમાં 3.46, વાંસદામાં 3.43, વઘઈમાં 3.39 ઇંચ, ડાંગ-આહવામાં 3.31 ઇંચ, ડેડિયાપાડામાં 3.23 અને વાપી, સોનગઢમાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે, બોપલ, ઘુમા, આંબલી, પ્રહલાદનગર, આનંદનગર, વેજલપુર, બોડકદેવ, થલતેજ, ઇન્કમટેક્સ, વાડજ, ઉસ્માનપુરા, નિર્ણય નગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ મોટા ભાગમાં વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો – VIDEO: ગુજરાતમાં ભારે વરસાદથી હાલબેહાલ; બનાસકાંઠામાં રસ્તાઓ બેટમાં ફેરવાયા, બસને ધક્કા મારવા પડ્યા
હવામાન વિભાગ ની 6 જૂલાઇની વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે 6 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
સાઇક્લૉનિક સર્ક્યુલેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે. ઉત્તર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે, રાજ્યનાં જળાશયો તેમની કુલ ક્ષમતાના અડધા જેટલાં ભરાયેલાં છે.