Gujarat Rain Weather Forecast Update : ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે. શુક્રવારને 5 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે અરવલ્લીના ધનસુરામાં 4.37 ઇંચ વરસાદ વરસ્યો છે.
116 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શુક્રવારને 5 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 36 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. જેમાં ધનસુરામાં 4.37 ઇંચ, ધરમપુરમાં 2.76 ઇંચ, કડાણામાં 2.68 ઇંચ, સોનગઢમાં 2.52 ઇંચ. વિસાવદરમાં 2.40 ઇંચ, સુત્રાપાડામાં 2.09 ઇંચ, ઉચ્છલ અને લુણાવાડામાં 2.01 ઇંચ, પલસાણામાં 1.97 ઇંચ વરસાદ વરસ્યો છે . આ સિવાય અન્ય 105 તાલુકામાં 1 થી લઇને 48 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 સપ્ટેમ્બરને શનિવારે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પાટણ, ગાંધીસાગર, ખેડા, મહિસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, અમદાવાદ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં સિઝનનો કુલ 95.89 ટકા વરસાદ
5 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 95.29 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 88.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 97.33 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 99.31 ટકા, સૌરાષ્ટ્રમાં 86.51 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 101.28 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 5 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 305545 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 91.46% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 464116 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 83.19% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 85 છે. 118 ડેમ હાઇ એલર્ટ પર અને 23 ડેમ એલર્ટ પર છે.