Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. બુધવારને 6 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે અમરેલીના કાંકાવાવ વાડીયામાં 8 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી. રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ જોવા મળ્યો નથી. ભારે વરસાદ ન થતા ગરમીમાં પણ વધારો થયો છે.
26 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં બુધવારને 6 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 26 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં કાંકાવાવ વાડીયામાં 8 મીમી, ધોરાજીમાં 7 મીમી, ધ્રોલ, વાપીમાં 6 મીમી, વિસાવદરમાં 5 મીમી, જામનગર, જૂનાગઢ, ડોલવાણમાં 4 મીમી, લોધિકા, માળિયા અને મોરબીમાં 3 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 14 તાલુકામાં 1 થી લઇને 2 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 12મી ઓગસ્ટ સુધીમાં કોઈપણ સ્થળે ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. અમદાવાદનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. માછીમારો માટે પણ કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. 15 ઓગસ્ટથી ફરી સિસ્ટમ સક્રિય થવાની આશા છે.
આ પણ વાંચો – અમદાવાદ-સુરતમાં તૈનાત થશે અદ્યતન ટેકનોલોજી અને સાધનોથી સજ્જ ‘અભિરક્ષક’, જાણો વિશેષતા
રાજ્યમાં સિઝનનો કુલ 63.84 ટકા વરસાદ
6 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 63.84 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 64.88 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.20 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 66.23 ટકા, સૌરાષ્ટ્રમાં 55.79 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 67.73 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 6 ઓગસ્ટને સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 257501 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 77.08% જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 386422 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 69.24% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 29 છે. 51 ડેમ હાઇએલર્ટ પર અને 22 ડેમ એલર્ટ પર છે.





