Gujarat Rain Weather Forecast Update : દિવાળી નજીક આવી રહી છે છતા રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારને 7 ઓક્ટોબરના રોજ સવારના 6.00 થી સાંજના 4.00 વાગ્યા સુધીમાં 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડમાં 1.46 ઇંચ વરસાદ વરસ્યો છે.
43 તાલુકામાં વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 7 ઓક્ટોબર 2025ના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં 43 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વલસાડમાં 1.46 ઇંચ, ગણદેવીમાં 1.22 ઇંચ, ચિખલીમાં 1.14 ઇંચ, ખેરગામ,મહુવામાં 25 મીમી, ઉમરગામમાં 20 મીમી, નવસારીમાં 19 મીમી, ગરબડા, દેવગઢ બારિયામાં 18 મીમી, વાપીમાં 17 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 33 તાલુકામાં 1 થી લઇને 16 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે ક્યાંય પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. વાવાઝોડું શક્તિ પણ નબળું પડી ગયું છે.
નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાંપુર પરથી જ પસાર થઈ રહી છે. જોકે, આગામી 3-4 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
આ પણ વાંચો – ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક કાપડીવાવના બદલે ફાગવેલ રહેશે
રાજ્યમાં સિઝનનો 117.88 ટકા વરસાદ
7 ઓક્ટોબર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 117.88 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 148.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.48 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 116.92 ટકા, સૌરાષ્ટ્રમાં 108.40 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 122.92 ટકા વરસાદ વરસ્યો છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 5 ઓક્ટોબરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 334080 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 100% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 540499 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 96.88% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 128 છે. હાઇ એલર્ટ પર 155 ડેમ અને એલર્ટ પર 13 ડેમ છે.