Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદનો લાંબો વિરામ જોવા મળી રહ્યો છે. જેના કારણે બફારો અને ગરમીમાં વધારો થયો છે. શનિવાર રક્ષાબંધનને 9 ઓગસ્ટના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગના શુબીરમાં 18 મીમી વરસાદ વરસ્યો છે. એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી.
31 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં શનિવારને 9 ઓગસ્ટના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં શુબીરમાં 18 મીમી, કપરાડામાં 17 મીમી, ધનપુર, શીંગવાડમાં 15 મીમી, ગણદેવીમાં 12 મીમી, ભાવનગરમાં 11 મીમી, ગરબડા, નવસારીમાં 10 મીમી, જલાલપોર અને ઉનામાં 9 મીમી વરસાદ વરસ્યો છે. અન્ય 21 તાલુકામાં 1 થી લઇને 8 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ટૂંક સમયમાં જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બનાવશે. 15 થી 21 ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર વધવાની શકયતા છે. આ સમયગાળા દરમિયાન સામાન્યથી વધુ વરસાદ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો – અમદાવાદમાં રહે છે PM મોદીની ‘પાકિસ્તાની બહેન’, જે પોતાના હાથે તેમના માટે બનાવે છે રાખડી
રાજ્યમાં સિઝનનો કુલ 64 ટકા વરસાદ
9 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 64 ટકાની આસપાસ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 65.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.20 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 66.23 ટકા, સૌરાષ્ટ્રમાં 55.91 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 67.78 ટકા વરસાદ વરસ્યો છે.