Gujarat Rain Weather Forecast Update: રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારને 9 જુલાઇના રોજ સવારના 6.00 થી રાતના 8.00 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં 1.89 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય વલસાડના ધરમપુરમાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો છે.
3 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં બુધવારને 9 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 3 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં ખેરગામમાં 1.89 ઇંચ, ધરમપુરમાં 1.77 ઇંચ અને વાંસદામાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય 33 તાલુકામાં 1 થી લઇને 24 મીમી સુધી વરસાદ વરસ્યો છે.
વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10-11 જુલાઈના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 12 જુલાઈએ મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ અને 13 જુલાઈએ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો – 900 મીટર લંબાઈ, 23 થાંભલા, 40 વર્ષ પહેલાં બાંધકામ; જાણો દુર્ઘટનાગ્રસ્ત ગંભીર બ્રિજ વિશે બધુ જ
રાજ્યમાં સિઝનનો કુલ 46.21 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો કુલ 46.21 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50.82 ટકા, કચ્છ વિસ્તારમાં 50.35 ટકા, સૌરાષ્ટ્રમાં 45.41 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.11 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.