આમ આદમી પાર્ટીના (AAP) નેતા ગોપાલ ઈટાલિયા (Gopal Italia) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને કથિત રીતે અપશબ્દો કહેવાને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં, 33 વર્ષીય ઇટાલિયાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પીએમ મોદીને ‘નીચ’ અને અન્ય અપશબ્દો કહેતા જોવા મળે છે. આ પછી દિલ્હી પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાક સુધી પૂછપરછ કર્યા બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.
જો કે, ઇટાલિયાનું કહેવું છે કે, તેને ફસાવવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયો તેમનો નથી. તેમણે ભાજપ પર પાટીદાર સમાજને નફરત કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ઈટાલિયા આ પહેલા પણ ઘણી વખત વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે.
કોણ છે ગોપાલ ઈટાલિયા?
ગોપાલ ઇટાલિયા ડિસેમ્બર 2020 થી આમ આદમી પાર્ટીના ગુજરાત કન્વીનર છે. પાટીદાર સમાજમાંથી આવેલા, ઇટાલિયા પાટીદાર આંદોલનનો ચહેરો હતા. તેમણે હાર્દિક પટેલ સાથે મળીને ગુજરાતમાં પાટીદાર અનામત માટે આંદોલન શરૂ કર્યું હતું.
ધ પ્રિંટના અહેવાલ મુજબ, ઈટાલીયા 2013માં ગુજરાત પોલીસમાં જોડાયા હતા. તેઓ અમદાવાદમાં કોન્સ્ટેબલ તરીકે લોક રક્ષક દળનો ભાગ હતા. તેની નજીકના લોકો તેને નિરંતર આગળ વધતો રહેતા માણસ તરીકે વર્ણવે છે.
2014માં ઈટાલિયાને અમદાવાદ કલેક્ટર કચેરીમાં ક્લાર્કની નોકરી મળી. જો કે, તેમને ત્રણ વર્ષમાં મહેસૂલ વિભાગની આ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. નોકરીમાંથી કાઢી મુકવા પાછળનું કારણ જાણવા માટે પહેલા આપણે પાટીદાર આંદોલનમાં તેમની ભૂમિકાને સમજીએ.
ક્લાર્ક તરીકે કામ કરતી વખતે, ઇટાલિયા પાટીદાર અનામત આંદોલનમાં અગ્રણી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. વર્ષ 2015માં જ્યારે આંદોલન ચરમસીમાએ હતું ત્યારે ગુજરાતની બહાર હાર્દિક દેખાતો હતો, પરંતુ ગુજરાતમાં ઈટાલિયાના મૂળિયા મજબૂત થઈ રહ્યા હતા.
મંત્રી પર જૂતું ફેંક્યું
વર્ષ 2017માં એક ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ અચાનક ઈટાલિયા મીડિયામાં છવાઈ ગયા હતા. તે જાન્યુઆરીનો મહિનો હતો, ઇટાલિયાએ તત્કાલિન ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ફોન કર્યો અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે પોતાનો પરિચય આપ્યો. નાયબ મુખ્યમંત્રી સાથે વાત કરતી વખતે તેમણે દારૂબંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં દારૂ બ્લેકમાં વેચાય છે. આ ધંધામાં પોલીસ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ બધા સામેલ છે.
આ વાતચીતનો ઓડિયો વાઈરલ થયા બાદ ગુજરાત સરકારની ભારે ઝાટકણી કાઢવામાં આવી હતી. ઇટાલિયા સામે ગુનો નોંધાયો હતો કારણ કે તેણે 2014માં પોલીસની નોકરી છોડી હોવા છતાં કોન્સ્ટેબલ તરીકે વાત કરી હતી.
2017 માં, ઇટાલિયા બીજી વખત મંત્રી પર જૂતું ફેંકવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. રાજ્યમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ઇટાલિયાએ વિધાનસભાની બહાર ગુજરાતના તત્કાલિન મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું અને બૂમો પાડી – આ સરકાર ઘમંડી, ભ્રષ્ટ છે. બેરોજગારોનું શોષણ કરે છે. ઈટાલિયાએ સરકારી કારકુન રહીને જૂતુ ફેંકવાનું કામ કર્યું. આ ઘટના બાદ તેને સેવા નિયમોના ઉલ્લંઘનના આરોપમાં મહેસૂલ વિભાગમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
ગોપાલ ઈટાલીયા જાતિ પ્રથાના વિરોધમાં રહ્યા
સરકારી સેવામાંથી બરતરફ થયેલા ઇટાલિયા સામાજિક કાર્યકર બન્યા. આ નેતાના નજીકના લોકો કહે છે કે, તેઓ હંમેશા સિસ્ટમની વિરુદ્ધ રહ્યા છે. તેઓ રામ કથા જેવી ઘટનાઓ સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. નોકરી ગુમાવ્યા પછી, તેણે આ દુષણો સામે આખું અભિયાન શરૂ કર્યું.
વર્ષ 2020 માં AAP માં જોડાયા પછી તરત જ, ઇટાલિયાને પાર્ટીના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. માત્ર બે વર્ષમાં તેઓ ગુજરાતમાં પાર્ટીનો મોટો ચહેરો છે. તેમના નેતૃત્વમાં AAPએ ગયા વર્ષે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો જીતી હતી.