Youth Dies Heart Attack in Mehsana : ગુજરાત સહિત દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના સમાચાર સામે આવી રહ્યા છે, જે ખુબ ચિંતાજનક બાબત છે. ત્યારે આજે મહેસાણામાં એક 20 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા શહેરની નાગલપુર કોલેજમાં એક 20 વર્ષિય યુવક વોલિબોલની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે સમયે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું છે. આ ઘટના બાદ પરિવાર ભાંગી પડ્યો હતો. દુખનું મોજુ ફરી વળ્યું હતું.
વોલીબોલ પ્રેક્ટિસ બાદ અચાનક ઢળી પડ્યો
વિગતે ઘટનાની વાત કરીએ તો, મહેસાણા શહેરમાં વાઈડ એન્ગલ નજીક પ્રકૃતિ સોસાયટીમાં રહેતો 20 વર્ષિય યુવક મનીષ રાજુભાઈ પ્રજાપતિ નામનો યુવક રોજની જેમ વોલીબોલ પ્રેક્ટિસ માટે નાગલપુર કોલેજમાં ગયો હતો. સ્પોર્ટ શિક્ષક પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા. આ સમયે યુવક પ્રેકિટસ બાદ તેના મિત્રો સાથે બેઠે હતો અને અચાનક ઢળી પડ્યો. તુરંત શિક્ષકે 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નિપજ્યું છે.
યુવક વોલીબોલમાં સારો ખેલાડી હતો
આ મામલે સ્પોર્ટ શિક્ષકે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, મનિષ વોલીબોલમાં ગોલ્ટ શૂટર હતો, અન આગામી દિવસમાં મેચમાં પણ ભાગ લેવાનો હતો, જેની અત્યારે નેટ પ્રેકિટસ ચાલી રહી હતી. તે મિત્રો પાસે બેઠો હતો અને છોતીમાં દુખાવો થવાની પરિયાદ કરી, અને અચાનક ઢળી પડ્યો. અમે તુરંત એમ્બ્યુલન્સ બોલાવી મહેસાણાની લાયન્સ હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા.
હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત
મહેસાણા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડના હાજર ડોક્ટરે જણાવ્યું કે, યુવક હોસ્પિટલ પહોંચ્યો તે પહેલા જ તેનું મૃત્યું થઈ ગયું હતું, અમે તુરંત ઈન્જેક્શન, પંપ વગેરે કર્યું પરંતુ તેનો જીવ પહેલા જ હાર્ટ એટેકના કારણે ગુમાવી દીધો હતો. આ ઘટનાની જાણ યુવકના પરિવારને થતા પરિવાર હસ્પિટલ દોડી આવ્યો હતો, અને મોતના સમાચાર મળતા જ હોસ્પિટલમાં રોકકળથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. પરિવારે જવાનજોધ દીકરો હાર્ટ એટેકથી ગુમાવતા શોકનું મોજુ ફરી વળ્યું હતુ.
શું કોરોના મહામારી બાદથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે?
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી બાદ હાર્ટ એટેકના કેસ સમગ્ર દેશમાં ઝડપથી વધી રહ્યા છે. જેમાં યુવા લોકોના હાર્ટ એટેક વધતા કેસ અને મૃત્યુની ઘટનાથી કોરોના વેક્સીન સામે શંકા ઉદભવી છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યુ છે કે, કોરોના રસીના ડોઝ લીધા બાદ યુવા લોકોના હૃદય નબળા પડી રહ્યા છે, જેના કારણે હાર્ટ એટેક અને પછી મૃત્યુના કેસ પણ સતત વધી રહ્યા છે. આ તમામ અટકળો વચ્ચે હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR એ એક અભ્યાસ દ્વારા જવાબ આપ્યો છે.
ICMRએ તેના સ્ટડી રિપોર્ટમાં આ અરોપોનું ખંડન કર્યું છે. તેમજ એવું પણ કહ્યું કે, કોવિડ રસીકરણને યુવાન લોકોના હાર્ટ એટેક અને મૃત્યુ સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો – Heart Attack: કોરોના રસથી યુવાનોમાં હાર્ટ એટેક અને મોતના કેસ વધી રહ્યા છે? ICMRના રિસર્ચ રિપાર્ટમાં મોટો ખુલાસો
ICMRના એક અલગ સંશોધન અનુસાર, મૃત્યુ અથવા હાર્ટ એટેકના વધતા કેસોના કારણોમાં કોવિડ-19 પહેલા હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારમાં અચાનક મૃત્યુના જૂના કિસ્સાઓ, મૃત્યુના થોડા સમય પહેલા વધુ પડતા આલ્કોહોલનું સેવન, ડ્રગ્સ લેવો કે મૃત્યુ પહેલા 48 કલાકમાં અત્યંત ભારે કસરત કરવી જેવી વર્તણુક સામે છે. આ ઉપરાંત જીવનશૈલીમાં અચાનક બદલાવ પણ તેની પાછળ એક કારણ હોઈ શકે છે.





