હે મા અમારા સૌની એક જ અરજ છે કે ગામની હોનહાર દીકરી સુનિતા વિલિયમ્સ ની રક્ષા કરજો, સુનીતાને સુરક્ષિત પૃથ્વી પર પરત લાવજો…આ શબ્દો છે સુનિતા પંડ્યા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણ વાસીઓના. નાનકડા એવા ઝુલાસણ ગામમાં આજે સૌ કોઇ સુનિતા માટે ચિંતિત છે. ભીની આંખે સૌ કોઇ ગામના દોલા માતાજી સમક્ષ અખંડ જ્યોત રાખી એક જ આજીજી કરી રહ્યા છે કે મા અમને તમારા પર પુરી શ્રધ્ધા છે. મા, આપણી દિકરીની રક્ષા કરજો.
મહેસાણા અમદાવાદ હાઇવે પર રાજપુર નજીક આવેલું નાનકડું ઝુલાસણ ગામ સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે. સુનિતાના પિતા ડો.દિપકભાઇ પંડ્યાએ પોતાનું બાળપણ અહીં વિતાવ્યું હતું. સુનિતા ભલે ગામમાં મોટી થઇ નથી પરંતુ ગામલોકો પોતાની દિકરી કરતાં પણ વધુ સ્નેહ વરસાવે છે.
સ્પેશ સ્ટેશનમાં ગયા બાદ પરત ફરતી વખતે સ્પેશયાનમાં સર્જાયેલી ખામીને પગલે સુનીતા મુસીબતમાં મુકાઇ છે. એ વાતની ખબર પડતાં જ ગામલોકો ચિંતિત બન્યા છે. ગામના અબાલ વૃધ્ધ સૌ કોઇ સુનીતા સુરક્ષિત પરત ફરે એવું ઇચ્છી રહ્યા છે. સુનીતા વિલિયમ્સની રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. સ્કૂલના બાળકો અને ગ્રામજનોએ સુનિતા વિલિયમ્સની રક્ષા માટે શુક્રવારે સવારે અખંડ જ્યોત યાત્રા કાઢી હતી.
ઝુલાસણ ગામના પૂર્વ સરપંચ દિનેશભાઇ પટેલ જણાવે છે કે, સુનિતા વિલિયમ્સ ગામની દિકરી છે, દેશ દુનિયામાં ગામનું ગૌરવ વધાર્યું છે. આવી હોનહાર દિકરી મુસીબતમાં મુકાઇ છે એ જાણી ગામ લોકો ચિંતિંત બન્યા છે. સૌ કોઇ સુનીતાની રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યું છે. ગામ લોકોએ આજે દોલા માતાજી સમક્ષ આજીજી કરી છે અને સુનિતા હેમખેમ પરત ફરે એ માટે માતાજી સમક્ષ અખંડ જ્યોત મુકી છે. સુનીતા સુરક્ષિત પરત ફરશે ત્યાં સુધી આ અખંડ જ્યોત મંદિરમાં પ્રજ્વલિત રાખવામાં આવશે.
ગામના પ્રાચીન દોલા માતાજી મંદિરના પુજારી દિનેશભાઇ જણાવે છે કે, દોલા માતાજી પ્રત્યે ગામ લોકોની પૂર્ણ આસ્થા છે. ગામમાં સારા નરસા પ્રસંગે દોલા માતાજી સમક્ષ અરજ કરવામાં આવે છે. આજે અખંડ જ્યોત રાખી સુનિતા વિલિયમ્સની રક્ષા માટે અરજ કરવામાં આવી છે. શનિવારે મંદિરમાં 12 કલાક સુધી દોલા માતાજીની ધૂન કરવામાં આવશે અને રવિવારે સુનીતાની રક્ષા માટે મંદિરમાં યજ્ઞ કરવામાં આવશે.
આ પણ વાંચો: નાસા સામે શું છે પડકાર?
દોલા માતાજી પ્રત્યે પૂર્ણ શ્રધ્ધા વ્યક્ત કરતાં પૂર્વ સરપંચ દિનેશભાઇ પટેલ કહે છે કે, દોલા માતાજી ગામ લોકોની અરજ સાંભળે છે, અગાઉ પણ જ્યારે સુનિતા સામે સંકટ ઉભું થયું હતું ત્યારે પણ અમે મંદિરમાં અખંડ જ્યોત રાખી પ્રાર્થના કરી હતી. માએ અમારી લાજ રાખી હતી અને સુનીતા હેમખેમ પરત ફરી હતી. આ વખતે પણ અમને પૂર્ણ વિશ્વાસ અને શ્રધ્ધા છે કે મા અમારી દિકરીને સુરક્ષિત પૃથ્વી પર પરત લાવશે.
દોલા માતાજીના મંદિરમાં ગામ લોકોની માતાજીની ધૂન
ગામના પ્રાચીન દોલા માતાજી મંદિરના પુજારી દિનેશભાઇ જણાવ્યું હતું કે ગામની દીકરી સુનિતા વિલિયમ્સ અત્યારે અવકાશમાં ફસાયા છે. ત્યારે તેમને સુરક્ષિત પાછા આવી જાય એ માટે ગામ લોકોએ ગામના આ પ્રાચીન મંદિરમાં શનિવારે સવારે 8 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી માતાજીની ધૂન કરવામાં આવી રહી છે.
સુનિતા વિલિયમ્સ ક્યાં ફસાયા છે?
અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં ફસાયા છે. સ્પેસક્રાફ્ટમાં હીલિયમ લીક થવાના કારણે તેઓ પરત ફરી શકતા નથી. સુનિતા જે સ્પેશયાનમાં પરત ફરવાના હતા એ યાનમાં ખામી સર્જાતાં સ્પેસમાં ફસાયા છે. સુનિતા વિલિયમ્સ 13 જૂને અંતરિક્ષમાંથી પરત ફરવાના હતા પરંતુ ખામીને પરત ફરવામાં મુસીબત ઉભી થઇ છે. જેને પગલે નાસા સહિત વિશ્વભરના લોકો ચિંતિત છે.
સ્પેસ યાન બાદ સ્પેસસૂટ પણ ચિંતાજનક
સુનિતા વિલિયમ્સ સ્પેસમાં ફસાયા બાદ નાસા સામે વધુ પડકારજનક સ્થિતિ સર્જાઇ છે. સ્પેસયાન બાદ સ્પેસસૂટમાં પણ ખામી જોવા મળી છે. 24 જૂને સ્પેસસૂટમાં ખરાબી દેખાઇ હતી. જેને કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ખાતે સ્પેસવોક રદ કરવામાં આવી હતી. અંતરિક્ષ યાત્રી ટ્રેસી કૈલ્ડવેલ ડાયસન અને માઇક બૈરેટ સ્પેસ સ્ટેશનની બહાર આવવાના હતા પરંતુ આ સ્પેસવોક રદ કરવામાં આવી હતી. જોકે નાસા દ્વારા 2 જુલાઇ એ વધુ એક પ્રયાસ કરવામાં આવનાર છે.
સુનિતા વિલિયમ્સ વિશે જાણવા જેવું
- સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળની અમેરિકી અંતરિક્ષ યાત્રી છે.
- સુનિતા વિલિયમ્સના પિતા ડો.દિપક પંડ્યા મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના વતની છે.
- સુનિતા વિલિયમ્સના માતા બોની જાલોકર પંડ્યા સ્લોવેનિયાના છે.
- સુનિતા પંડ્યા વિલિયમ્સનો એક ભાઇ જય થોમસ પંડ્યા અને મોટી બહેન ડાયના પંડ્યા છે.
- સુનિતાના પિતા ડો.દિપક પંડ્યા 1958માં અમદાવાદથી અમેરિકાના બોસ્ટનમાં આવી વસ્યા હતા.
- સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 માં અમેરિકાના ઓહાયો રાજ્યના યૂક્લિડ શહેરમાં થયો હતો.
- સુનિતા વિલિયમ્સના લગ્ન માઇકલ જે વિલિયમ્સ સાથે થયા છે.
- ભારત સરકાર દ્વારા સુનિતા વિલિયમ્સને વર્ષ 2008 માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
- મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે 127 દિવસ સુધી અંતરિક્ષમાં રહેવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો
- મૈસાયુસેટ્સથી હાઇસ્કૂલ પાસ કર્યા બાદ 1987 માં સંયુક્ત રાષ્ટ્રની નૌસૈનિક એકેડેમીમાંથી ફિઝિકલ સાયન્સમાં બીએસ કર્યું હતું.
- વર્ષ 1995 માં ફ્લોરિડા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતેથી એંજિનિયરિંગ મેનેજમેન્ટમાં એમ.એસ કર્યું હતું.
સુનિતા વિલિયમ્સ કરિયર
સુનિતા વિલિયમ્સ જૂન 1998 માં અમેરિકી અંતરિક્ષ સંસ્થા નાસા માટે પસંદગી પામ્યા હતા. કલ્પના ચાવલા બાદ સુનિતા વિલિયમ્સ બીજા ભારતીય મૂળના મહિલા છે જે અમેરિકી અંતરિક્ષ મિશન પર ગયા હતા. જૂન 1998 થી નાસા સાથે જોડાયેલા સુનિતા વિલિયમ્સે અત્યાર સુધી 30 અલગ અલગ અંતરિક્ષ યાનમાં 2770 ઉડાન ભરી છે.
સુનિતા વિલિયમ્સ અંતરિક્ષ ઉડાન અનુભવ
સુનિતા વિલિયમ્સ 1998 માં નાસા અંતરિક્ષ યાત્રી તરીકે પસંદગી પામ્યા હતા. સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં કૂલ 322 દિવસ વિતાવ્યા છે. સુનિતાએ નાસાના બે અંતરિક્ષ મિશન 14/15 અને 32/33 સફળતા પૂર્વક પાર પાડ્યા છે. હાલમાં તે બોઇંગ સ્ટારલાઇનર અંતરિક્ષ યાન પર ચાલક દળ ઉડાન પરિક્ષણ મિશનના પાયલટ રુપમાં ત્રીજા મિશન પર છે. સુનિતા વિલિયમ્સે 9 ડિસેમ્બર, 2006 માં STS-116 ના ચાલક દળ સાથે અંતરિક્ષ માટે ઉડાન ભરી હતી અને 11 ડિસેમ્બર 2006 થી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સાથે જોડાયા હતા.
સ્પેસ સ્ટેશન પહોંચ્યા બાદ સુનિતાએ 29 કલાક અને 17 મિનિટના સમયગાળામાં ચાર વખત સ્પેસ સ્ટેશનની બહાર સ્પેસ વોક કરી મહિલા અંતરિક્ષ યાત્રી દ્વારા સૌથી વધુ વખત સ્પેસ વોક માટેનો રેકોર્ડ બનાવ્યો હતો. બાદમાં તેઓ 22 જૂન 2007 ના રોજ કેલિફોર્નિયાના એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર અંતરિક્ષમાંથી પરત ફર્યા હતા.
સુનિતા વિલિયમ્સે 14 જુલાઇ 2012 માં બીજા અંતરિક્ષ અભિયાન 32/33 માટે રશિયન સોયુઝ કમાન્ડર યૂરી માલેનચેંકો અને જાપાન એયરોસ્પેસ એક્સપ્લોરેશનએજન્સીના ફ્લાઇટ એંજિનિયર અકિહિકો હોશિંદે સાથે કઝાકિસ્તાનના બૈકોનૂર કોસ્મોડ્રોમ ખાતેથી ઉડાન ભરી હતી. ત્રણ દિવસ બાદ 17 જુલાઇએ તેઓ સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા. સુનિતા વિલિયમ્સે ટીમ સાથે અહીં ચાર મહિના વિતાવ્યા હતા. અંતરિક્ષમાં 127 દિવસ વિતાવ્યા બાદ તેઓ 18 નવેબંર 2012 ના રોજ પૃથ્વી પર પરત ફર્યા હતા. 50 કલાક અને 40 મિનિટ સ્પેસવોક સાથે સુનિતા વિલિયમ્સે ફરી એકવાર મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે સૌથી વધુ સમય સુધી સ્પેસવોકનો રેકો્ડ બનાવ્યો.