atta momos recipe : આજના સમયમાં મોટાભાગના લોકો મોમોઝ ખાવાનું પસંદ કરે છે. સ્ટ્રીટ ફૂડ હોય કે રેસ્ટોરન્ટ, તમે દરેક જગ્યાએ મોમોઝ સરળતાથી મળી જાય છે. જોકે ઘણા લોકો મોમોઝ ખાતા નથી કારણ કે તે મેંદામાંથી તૈયાર કરવામાં આવે છે.
ઘણા લોકો તેને પચાવી શકતા નથી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારા માનવામાં આવતા નથી. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે મેંદાને કારણે મોમોઝ ખાતા નથી તો તેને ઘઉંના લોટમાંથી પણ બનાવી શકાય છે. અહીં અમે તમારા માટે ઘઉંના લોટમાંથી મોમોઝ તૈયાર કરવાની રેસીપી જણાવી રહ્યા છીએ.
મોમોઝ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- અડધો કપ ચોખાનો લોટ
- બારીક સમારેલી કોબી
- ગાજર
- 1 ડુંગળી
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- લીલા મરચા
- 1 ચમચી સોયા સોસ
- મીઠું
- પાણી,
- 1 ચમચી તેલ
ઘઉંના લોટમાંથી મોમોઝ બનાવવાની રીત
સ્ટેપ-1 : લોટ બાંધો
મોમોઝ તૈયાર કરવા માટે પહેલા ઘઉં અથવા ચોખાનો લોટ લો અને તેને થોડું મીઠું અને પાણી નાખી લોટ બાંધી લો. ધ્યાનમાં રાખો કે કણક વધારે સખત છે કે વધારે નરમ હોવો ન જોઈએ.
સ્ટેપ-2 : સ્ટફિંગ તૈયાર કરો
હવે મોમોઝ માટે સ્ટફિંગ બનાવો. એક કઢાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં ઝીણી સમારેલી આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં અને ડુંગળી મેળવી સાંતળી લો. આ પછી તેમાં ઝીણા સમારેલી ગાજર અને કોબી મેળવી હળવા ક્રન્ચી થાય ત્યાં સુધી રાંધી લો. તે પછી તેમાં સોયા સોસ, મીઠું અને કાળા મરી ઉમેરી સારી રીતે મિક્સ કરો અને ગેસ બંધ કરી લો.
આ પણ વાંચો – સેવ ટામેટાનું શાક આ રીતે ચટાકેદાર બનાવો, આંગળા ચાટી જશો
સ્ટેપ-3: મોમોઝ બનાવો
ગૂંથેલા કણકના નાના-નાના બોલ બનાવો અને તેમને પાતળી પૂરીની જેમ રોલ કરો. સ્ટેફિંગને વચ્ચે રાખો અને કિનારીઓને ફોલ્ડ કરીને મોમોઝનો આકાર આપો.
સ્ટેપ -4: મોમોઝને સ્ટીમ કરો
મોમોઝને સ્ટીમરમાં મુકી લગભગ 10-15 મિનિટ સુધી રાંધી લો. મોમોઝ બની જાય પછી તેમને મસાલેદાર ટમેટા-લસણની લાલ ચટણી સાથે પીરસો. તે બાળકો અને પુખ્ત વયના લોકો બધાને પસંદ આવશે.





