Ayurvedic Herbs Remedies to clean Lungs : દિવાળી આવતા દિલ્હી- એનસીઆર સહિત દેશના ઘણા વિસ્તારોમાં હવા પ્રદૂષણ વધી રહ્યા છે. હવા પ્રદૂષણ એ માનવ આરોગ્ય સામે સૌથી મોટું જોખમ છે. રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડીના આગમન પહેલા જ હવા ઝેરી બનવા લાગી છે. સવારે અને સાંજે આકાશમાં ધુમ્મસનું જાડું પડ દેખાય છે. હવા પ્રદૂષણનું આ ઝેર ફેફસાને સીધું નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત ઝેરીલી હવાથી ફેફસાંનું કેન્સર થવાની સંભાવના પણ વધી જાય છે.
નોંધનીય છે કે ફેફસાં વાતાવરણમાંથી હવા ખેંચે છે, તેમાંથી ઓક્સિજનને ફિલ્ટર કરીને લોહીના પ્રવાહમાં મોકલે છે અને શરીરની અંદર ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઈડને બહાર કાઢવાનું કામ પણ ફેફસાં કરે છે. ઉપરાંત ફેફસાં શરીરના પીએચને સંતુલિત કરીને બાહ્ય હુમલાઓથી આપણને બચાવે છે. આવી સ્થિતિમાં ફેફસાંનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી બની જાય છે. જો કે, હવામાં વધતા પ્રદૂષણથી ફેફસાંને વધુ ઝડપથી નુકસાન થાય છે. આ લેખમાં, અમે તમને કેટલીક ખાસ જડીબુટ્ટીઓ વિશે જણાવી રહ્યા છીએ, જે ક્ષતિગ્રસ્ત ફેફસામાં જમા થયેલી ગંદકીને બહાર કાઢવામાં અને તેને ઝડપથી શરીરમાંથી દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ત્રિફળા (Triphala)
ત્રિફળા આયુર્વેદની ત્રણ સૌથી શક્તિશાળી ઔષધિઓ ‘વિભીતકી’, ‘હરિતકી’ અને ‘આમળા’માંથી બનેલી છે. આયુર્વેદમાં, ફેફસાની ગંદકીને સાફ કરવા માટે ત્રિફળાને શ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે. તેમાં હાજર એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો તેને અકસીર દવા બનાવે છે. ઉપરાંત ત્રિફળામાં જોવા મળતા એન્ટી-ઓક્સિડન્ટ્સ જેવા કે ઈલાજિક એસિડ, ટેનિન અને ફ્લેવોન પણ ફેફસાંને મજબૂત કરવામાં અને તેમાં જમા થયેલી ગંદકીને જડમૂળમાંથી સાફ કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેના સેવનથી ગળાનો સોજો ઓછો થાય છે અને શ્વાસ સંબંધી રોગોમાં પણ રાહત મળે છે.
ત્રિફળાનું સેવન કેવી રીતે કરવું? (Triphala Benefits)
ફેફસાંને સાફ કરવા માટે એક લિટર પાણીમાં લગભગ 100 મિલિગ્રામ ત્રિફળા ઉમેરીને પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. પાણી હૂંફાળું થઈ જાય પછી તેને સવારે ખાલી પેટે ઘુંટ ઘુંટ સેવન કરો. ઉપરાંત ગળા સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં તમે આ પાણીથી કોગળા પણ કરી શકો છો.
તુલસીના પાન (Tulsi Pan)
તુલસી ફેફસાં માટે પણ ઉત્તમ દવા છે. તુલસીના પાનમાં યૂજેનોલ નામનું તત્વ હોય છે, જે શ્વસનતંત્ર માટે ફાયદાકારક છે. તેમજ તુલસીમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ પણ જોવા મળે છે, જે ફેફસાંને મજબૂત બનાવે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે.
તુવસી પાનનું સેવન કેવી રીતે કરવું? (Tulsi Pan Benefits)
આ માટે તુલસીના પાનને સૂકવીને તેમા કાથો, મેન્થોલ અને એલચીને સમાન માત્રામાં પીસી લો. હવેમાં તેમાં એક ચમચી દળેલી ખાંડ ઉમેરો. આયુર્વેદ અનુસાર, આ મિશ્રણનું અડધી ચમચી દિવસમાં બે વાર સેવન કરવાથી ફેફસાંમાં જમા થયેલો કફ અને ગંદકી ઝડપથી સાફ થઈ શકે છે.
મુલેઠી (Mulethi)
ફેફસાને સાફ અને મજબૂત કરવા માટે મુલેઠીનું સેવન પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદ અનુસાર મુલેઠી તેના મીઠા અને ઠંડકના ગુણોને કારણે શ્વસન તંત્રના ચેપથી રાહત આપવામાં અસરકારક છે. તેનું સેવન ફેફસાં અને ગળામાં એકઠા થયેલા કફને ઓગાળીને ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
મુલેઠીનું સેવન કેવી રીતે કરવું? (Mulethi Benefits)
તમે મુલેઠીની હર્બલ ટી બનાવીને તેનું સેવન કરી શકો છો. તેમજ જ્યારે પણ તમને શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા શરદી અને ઉધરસ થાય ત્યારે થોડીક મુલેઠી પાણીમાં નાંખીને ઉકાળો અને આ પાણીનું ધીમે-ધીમે ઘુંટ ઘુંટ સેવન કરો. જો તમે ઈચ્છો તો આ પાણીમાં એક ચમચી મધ પણ નાખી શકો છો. આનાથી ફેફસાને લગતી સમસ્યાઓ ઝડપથી દૂર થઈ શકે છે.
(Disclaimer : આ લેખમાં જણાવેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડૉક્ટરની સલાહ લેવી.)





