Lasaniya Bajra Rotlo Recipe In Gujarati : બાજરી એક પૌષ્ટિક અનાજ છે, જે શરીર માટે ઘણું ફાયદાકારક છે. શિયાળામાં બાજરીનો રોટલો ખાવાથી ઘણા લાભ થાય છે. બાજરીના લોટ માંથી વિવિધ વાનગી બને છે, જેમ કે બાજરીનો રોટલો, બાજરીના વડા, વધારેલો રોટલો, બાજરીની રાબ વગેરે. બાજરીનો રોટલો મોટાભાગના લોકોએ ખાધો જ હશે. જો તમે બાજરીના રોટલામાં કંઇક યુનિક ટેસ્ટ મેળવવા માંગો છો તો બાજરીનો લસણિયો રોટલો ટ્રાય કરવો જોઇએ. લીલા લસણ માંથી બનેલો બાજરીનો લસણિયો રોટલોનો સ્વાદ અદભુત હોય છે.
બાજરીનો લસણિયો રોટલી બનાવવા માટે સામગ્રી
- બાજરીનો લોટ – 2 વાટકી
- લીલું લસણ ઝીણું સમારેલું – 1 કપ છ
- લીલા મરચા અને આદુની પેસ્ટ – 1 ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- ઘી – 2 – 4 ચમચી
- અજમો – 1 નાની ચમચી
Bajra Rotla Recipe With Green Garlic : બાજરીનો લસણીયો રોટલી કેવી રીતે બનાવવો?
બાજરીનો લસણીયો રોટલો બનાવવા સૌ પ્રથમ લીલું લસણ પાણીમાં બરાબર ધોઇ લો, પછી પાણી સુકાઇ ગયા બાદ લીલું લસણ ઝીણું સમારેલી લો. મિક્સર જારમાં લીલા મરચા અને આદુની પેસ્ટ મિક્સ બનાવો. મરચા આદુની પેસ્ટ વૈકલ્પિક છે.
હવે એક વાસણમાં બાજરીનો લોટ લો. પછી તેમા ઝીણું સમારેલું લીલું લસણ, આદુ મરચાની પેસ્ટ, 1 ચમચી અજમો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો. પછી તેમા ધીમે ધીમે પાણી ઉમેરી લોટ બાંધો. તમે ગરમ પાણી વડે બાજરીનો લોટ બાંધશો તો લોટ નરમ અને સારો બનશે.
હવે બે હાથ વડે ટીપીને બાજરીનો રોટલો બનાવો. રોટલો બનાવતી વખતે તુટી જાય તો પાણી લગાવો. તમે પાટલી ઉપર વણીને પણ બાજરીનો રોટલો બનાવી શકો છો. તેની માટે પાટલી ઉપર પ્લાસ્ટિકની થેલી ઉપર બાજરીના રોટલનો લુઓ મૂકો, પછી તેની ઉપર બીજી પ્લાસ્ટિકની થેલી મૂકો. હવે વેલણ વડે ધીમે ધીમે બાજરીનો રોટલો વણો. બાજરીનો રોટલો ચોંટે ન જાય તેની માટે પ્લાસ્ટિકની થેલી પર તેલ લગાવી શકાય છે.
આ પણ વાંચો | આમળા મુરબ્બો સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો, ઘરે આ રીતે બનાવો
ગેસ પર માટીની તાવડી ગરમ કરો. હવે બાજરીનો રોટલો મધ્યમ તાપે શેકો. બને બાજુથી સહેજ બરાબર શેકાઇ જાય ત્યાં સુધી રોટલો શેકવો. રોટલો શેકાઇ જાય એટલે તાવડી પરથી ઉતારી લો. બાજરીના લસણીયા રોટલા પર ગરમા ગરમ ઘી લગાવી સર્વ. બાજરીનો લસણીયો રોટલો રીંગણનું ભરથું, બટેકાના રસાવાળા શાક કે મિક્સ વેજિટેબલ સબ્જી સાથે ખાવાની મજા પડશે.





