Health Tips For Diabetes Patient: ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે, જો તેની સમયસર સારવાર કરવામાં ન આવે તો શરીરના અંગોને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ઇન્સ્યુલિન શરીરમાં યોગ્ય રીતે કામ ન કરવાને કારણે ડાયાબિટીસ થાય છે. ઇન્સ્યુલિન એ એક હોર્મોન છે જે સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે. તેનું કામ શરીરમાં બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવાનું છે.
ખરેખર તો આપણે જે પણ ખાઈએ કે પીએ છીએ, આપણું શરીર તેને કાર્બોહાઈડ્રેટમાં વિભાજીત કરે છે અને તેને સુગરમાં પરિવર્તિત કરે છે. આ પછી, ઇન્સ્યુલિન હોર્મોન શરીરના કોષોમાંથી સુગર શોષી લે છે અને તેને ઉર્જામાં રૂપાંતરિત કરે છે. જો કે ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે અથવા ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરતું નથી. આ સ્થિતિમાં બ્લડ સુગર લેવલ વધી જાય છે અને આ વધેલું સુગર લેવલ શરીરને અનેક રીતે નુકસાન પહોંચાડવા લાગે છે. આ જ કારણ છે કે ડાયાબિટીઝના દર્દીને ડાયટ પર વધુ ધ્યાન આપવાની અને ખાસ કરીને ખાંડ ન ખાવાની સલાહ આપવામાં આવે છે..
હવે સવાલ એ ઊભો થાય છે કે ડાયાબિટીસ દર્દી કેળા ખાઈ શકે છે કે કેમ? જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો અને તમારા મનમાં પણ આ સવાલ છે, તો અહીં અમે આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.
હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?
આ બાબતે સર્ટિફાઇડ ક્લિનિકલ ડાયેટિશિયન, ડાયાબિટીસ એજ્યુકેટર અને એનયુટીઆરના સ્થાપક લક્ષિતા જૈન કહે છે, ડાયાબિટીસ અથવા પ્રી ડાયાબિટીસથી પીડાતા દર્દીને ઘણીવાર કેળા ન ખાવાની સલાહ આપવામાં આવે છે. જો કે કેળામાં પોટેશિયમ, વિટામિન સી અને ફાઇબર જેવા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ડાયાબિટીસ દર્દીઓ માટે પણ સારું હોઈ શકે છે. તેને ખાવાની સાચી રીત જાણવી જોઈએ. ’
લક્ષિતા જૈનના મતે ડાયાબિટીસ દર્દી માટે કાચા કેળા ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. તેમજ તેઓ પાકા કેળા પણ ખાઈ શકે છે.
ડાયાબિટીસ દર્દી એ કેળા કેવી રીતે ખાવાં?
હેલ્થ એક્સપર્ટ્સના મતે જો તમને ડાયાબિટીસ હોય તો તમે રોજ કેળા ખાઈ શકો છો. જો કે કેળામાં નેચરલ સુગરનું પ્રમાણ વધારે હોવાથી તેને પ્રોટીનના સ્ત્રોત સાથે જોડવું જ શ્રેષ્ઠ છે. તમે કેળાને સ્પ્રાઉટ્સ અથવા ચીઝ સાથે ખાઈ શકો છો.
કેળાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 51 હોય છે, તેને અન્ય નીચા જીઆઇ સ્ત્રોતો અથવા પ્રોટીન સ્ત્રોત સાથે ખાવાથી લોહીમાં સુગર લેવલ વધતું નથી. ઉપરાંત તમારે વધું પાકી ગયેલા કેળા ખાવાનું ટાળવું જોઇએ.
ડાયાબિટિસ દર્દી માટે કેવા કેળાં ખાવા જોઇએ?
લક્ષિતા જૈન કહે છે, એવા કેળાં ખરીદવાનું ટાળો, જેના પર બ્રાઉન કે કાળા ટપકાં હોય. કેળાની છાલ પર આવા નિશાન દર્શાવે છે કે કેળામાં રહેલું સ્ટાર્ચ નેચરલ સુગરમાં રૂપાંતરિત થઇ ગયું છે, વધુ પ્રમાણમાં નેચરલ સુગર ડાયાબિટીસ દર્દી માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ કેટલીક ખાસ વાતોને ધ્યાનમાં રાખીને તમે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વગર કેળા ડાયટ સામેલ કરી શકો છો.
આ પણ વાંચો | ડાયાબિટીસ દર્દી માટે ખુશખબર, ચીનમાં ટાઈપ 1 ડાયાબિટીસ મટાડવાનો પ્રયોગ સફળ, જાણો સ્ટેમ સેલ થેરાપી શું છે
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)





