ડાયાબિટીસ એક એવી બીમારી છે જેના દર્દીએ બ્લડમાં શુગર લેવલ કંટ્રોલમાં રાખવું બહુ જ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓએ એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જે લોહીમાં સુગર લેવલ કન્ટ્રોલમાં રાખે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ભોજનમાં લીલા શાકભાજીનું સેવન ખૂબ જ ઉપયોગી છે. જો અમુક શાકભાજીનો જ્યુસ અને સલાડ બનાવીને ખાવામાં આવે તો સુગર લેવલને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે સૂપ અને સલાડના રૂપમાં સ્ટાર્ચ વગરની શાકભાજીનુ સેવન કરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. કેટલાક ઓછા કાર્બોહાઇડ્રેટ શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક હોય છે જે લોહીમાં સુગર લેવલને કન્ટ્રોલ કરે છે.
શિયાળામાં કોબીજનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે તેમજ વજન નિયંત્રણમાં રહે છે. ચાલો જાણીએ કે કોબીજ ઉપરાંત અન્ય કઈ શાકભાજીના સલાડ અને સૂપનું સેવન કરીને ડાયાબિટીસના દર્દીઓ બ્લડમાં સુગર લેવલ કંટ્રોલમાં રાખી શકે છે.
કોબી સહિત આ શાકબાજી સુગર લેવલને કન્ટ્રોલ કરવામાં અસરકારક
ડાયાબિટીસના દર્દીઓ માટે એવા શાકભાજીનું સેવન કરવું લાભદાયી છે જેમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય. કેટલીક શાકભાજી એવી છે જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે સુગરને કંટ્રોલ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કોબીજનું સૂપ, ગાજર, કોબીજ અને મશરૂમનું સૂપ એવા વેજિટેબલ સૂપ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
આ શાકભાજીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તેનું સૂપ બ્લડમાં સુગર લેવલને કન્ટ્રોલમાં રાખે છે. ખનિજો તત્વો, ફાઇબર, વિટામિન્સ અને ફાયટોકેમિકલ્સથી ભરપૂર, આ સૂપ પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેનું સેવન કરવાથી ભૂખ નિયંત્રણમાં રહે છે અને બ્લડ સુગરને કન્ટ્રોલમાં રાખે છે.
ડાયાબિટીસના દર્દીએ કઇ ચીજો ટાળવી જોઈએ:
તાજેતરની કાર્ડિયોમેટાબોલિક હેલ્થ કૉંગ્રેસમાં, યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન નેબરહુડ ક્લિનિકમાં ન્યુટ્રિશન અને ડાયાબિટીસ એજ્યુકેશન પ્રોગ્રામ્સના મેનેજર એલિસન એવર્ટે જણાવ્યું હતું કે, ડાયાબિટીસના દર્દીઓ માટે વિવિધ પ્રકારના ડાયટની ભલામણ કરવામાં આવે છે. ઘણા સંશોધનોમાં એવી વાત સામે આવી છે કે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું કરવા માટે સ્ટાર્ચવાળી ખાદ્યચીજોનું સેવન ટાળીને ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખી શકાય છે.
કાર્બોહાઈડ્રેટ્સની માત્રા અને ગુણવત્તા પર ધ્યાન આપીને માત્ર ડાયાબિટીસને જ કન્ટ્રોલમાં રાખી શકાય છે પરંતુ હૃદયની બીમારીથી પણ બચી શકાય છે. ભોજનમાં મીઠું, સુગરવાળા પીણાં, પ્રોસેસ્ડ ફૂડ અને ખાદ્યચીજોમાં ખાંડનું સેવન આરોગ્ય માટે નુકસાનકારક છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ.
ફાઈબરયુક્ત ખોરાક ફાયદાકારક છે:
ફરિદાબાદની એશિયન હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. સંદીપ ખરાબે ધી ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ફાઈબરથી ભરપૂર ભોજન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમણે કહ્યું કે, કોબીજ, ફ્લાવર, પાલક, કઠોળ, બદામમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે પરંતુ ઓછી પ્રમાણમાં હોય છે. આ શાકભાજીમાં ફાઈબર પણ હોય છે જે ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખવામાં અસરકારક સાબિત થાય છે.