કોરોના મહામારીની સાથે સાથે કેન્સરે પર ભારતમાં કહેર વરતાવ્યો છે. ભારતમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરની બીમારીના સૌથી વધારે કેસ નોંધાવવાની સાથે સાથે આ જીવલેણ બીમારીથી સૌથી વધારે મોત પણ થયા છે. ભારતમાં કેન્સરની બીમારી ભયંકર રીતે પગપેસારો કરી રહી છે જે બહુ જ ચિંતાજનક બાબત છે.
ભારતમાં છેલ્લા બે વર્ષમાં કેન્સરના બીમારીના નવા કેસો અને તેનાથી થતી મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થયોછે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ અનુસાર વર્ષ 2020 દરમિયાન ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્સરની બીમારીના કેસોની અંદાજિત સંખ્યા 13,92,179 હતી, જે વર્ષ 2021માં વધીને 14,26,447 અને વર્ષ 2022માં વધીને 14,61,427 થઈ છે. એક પ્રાથમિક અંદાજ અનુસાર વર્ષ 2025 સુધીમાં ભારતમાં કેન્સર પીડિત દર્દીઓની સંખ્યા વર્ષ 2025 સુધીમાં 15 લાખે પહોંચી જશે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર 2020માં કેન્સરના કુલ કેસોમાં તમાકુના સેવન સંબંધિત કેન્સરના કેસોની સંખ્યા 27 ટકા જેટલી હતી.
કેન્સરના દર્દીઓનો મૃત્યુદર પણ વધ્યો
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ભારતમાં કેન્સરની બીમારીને કારણે વર્ષ 2020માં અંદાજે 7,70,230 લોકોના મોત થયા હતા. ત્યારબાદ કેન્સર પીડિત દર્દીઓના મોતની સંખ્યા વર્ષ 2021માં વધીને 7,89,202 અને વર્ષ 2022માં 8,08,558 થઇ છે.

એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાજ્યોમાંથી મળેલી દરખાસ્તોના આધારે, નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એન્ડ સ્ટ્રોક (NPCDCS) હેઠળ ભાગરૂપે નેશનલ હેલ્થ મિશન (NHM) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડે છે. NPCDCS હેઠળ દેશના 707 જિલ્લા NCD ક્લિનિક્સ, 268 જિલ્લા ડેકેર સેન્ટર્સ અને 5,541 સામુદાયિક આરોગ્ય કેન્દ્ર NCD ક્લિનિક્સની સ્થાપના કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, કેન્સર એ NPCDCSનો અભિન્ન ભાગ છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા, માનવ સંસાધન વિકાસ, આરોગ્ય પ્રમોશન અને કેન્સરની બીમારીને રોકવા માટે જાગૃતિ લાવવી, તેનું વહેલુ નિદાન, વ્યવસ્થાપન અને કેન્સર સહિત બિન-ચેપી રોગો (NCDs) ની સારવાર માટે વધુ સારી આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, NHM હેઠળ અને વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળના એક ભાગરૂપે સામાન્ય બિન-ચેપી રોગો એટલે કે ડાયાબિટીસ, હાયપરટેન્શન અને સામાન્ય કેન્સરના નિવારણ, નિયંત્રણ અને તપાસ માટે વસ્તી આધારિત પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ, 30 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને ત્રણ પ્રકારના સામાન્ય કેન્સર – મોં, સ્તન અને ગર્ભાશયની તપાસ માટે લક્ષિત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આવા સામાન્ય પ્રકારના કેન્સરની તપાસ માટે આયુષ્માન ભારત – આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો હેઠળ સેવા વિતરણનો એક અભિન્ન ભાગ છે. તેમણે કહ્યું કે હરિયાણાના ઝજ્જરમાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટનું બીજું કેમ્પસ પણ આ દિશામાં લેવાયેલા પગલાં છે. આ બધા જ કેન્દ્રો દેશમાં કેન્સરની સારવારની ક્ષમતામાં વધારો કરે છે.