Cervical Cancer Vaccine: ગર્ભાશયનું કેન્સર રોકવા મહિલાને ક્યારે રસી લગાવવી જોઇએ? સર્વાઇકલ કેન્સર વેક્સિન વિશે જાણો

Cervical Cancer Vaccine: ગર્ભાશયના કેન્સરથી ભારતમા દર વર્ષે હજારો મહિલાઓનું મોત થાય છે. જો કે સમયસર તાસ અને નિદાન સહિત સર્વાઇકલ કેન્સર વેકિસન દ્વારા ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે.

Written by Ajay Saroya
January 31, 2025 14:18 IST
Cervical Cancer Vaccine: ગર્ભાશયનું કેન્સર રોકવા મહિલાને ક્યારે રસી લગાવવી જોઇએ? સર્વાઇકલ કેન્સર વેક્સિન વિશે જાણો
Cervical Cancer Vaccine: મહિલાઓને સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ હોય છે. (Photo: Freepik)

Cervical Cancer Vaccine: સર્વાઇકલ કેન્સર મહિલાઓ માટે જીવલેણ બીમારી છે. જાગૃતિનો અભાવ તેમજ મેડિકલ તપાસ અને સારવારમાં વિલંબને કારણે તે જીવલેણ સ્વરૂપ ધારણ કરે છે. સર્વાઇકલ કેન્સર એટલ કે ગર્ભાશયનું કેન્સર એક વૈશ્વિક આરોગ્ય સમસ્યા બની ગઈ છે, ખાસ કરીને ઓછા અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં જ્યાં તે સૌથી વધુ અસરગ્રસ્ત છે. તે દુનિયાભરમાં મહિલાઓને અસર કરતું ચોથું સૌથી સામાન્ય કેન્સર છે, પરંતુ ભારત પર તેની અસર ખરેખર ચિંતાજનક છે.

દુનિયાના 25 ટકા સર્વાઇકલ કેન્સરના કેસ ભારતમાં

સમગ્ર દુનિયામાં સર્વાઇકલ કેન્સરના કુલ કેસમાંથી 25 ટકા દર્દી ભારતમાં જોવા મળે છે અને આ સંખ્યા ચિંતાજનક છે. દર વર્ષે લગભગ 1,00,000 ભારતીય મહિલાઓને તેનું નિદાન થાય છે અને લગભગ 35,000 લોકો આ રોગને કારણે પોતાનો જીવ ગુમાવે છે. આ દુર્ઘટના એ હકીકતથી વધુ ખરાબ થઈ છે કે તેને ઘણીવાર રોકી શકાય છે. બિરલા ફર્ટિલિટી અને આઇવીએફના આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો.રાખી ગોયલના જણાવ્યા અનુસાર સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ હોવી ખૂબ જ જરૂરી છે. સમયસર ટેસ્ટ કરાવવાની સાથે રસી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આજે 18મી લોકસભાના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું કે 9 કરોડ મહિલાઓની સર્વાઇકલ કેન્સર માટે તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષ 2024માં લોકોને સર્વાઇકલ રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

બિરલા ફર્ટિલિટી અને આઇવીએફના આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો.રાખી ગોયલના જણાવ્યા અનુસાર સર્વાઇકલ કેન્સર મોટે ભાગે હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) નામના સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વાઇરસના લાંબા ગાળાના ચેપને કારણે થાય છે. સર્વાઇકલ કેન્સરના 90 ટકાથી વધુ કેસો એચપીવી સાથે સંકળાયેલા છે. એચપીવીના 100થી વધુ પ્રકારો હોવા છતાં માત્ર 15 જ સર્વાઇકલ કેન્સર સાથે સંકળાયેલા છે. આમાંથી, એચપીવી -16 અને એચપીવી -18 સૌથી વધુ હાનિકારક છે, જે કુલ કેસોમાંથી લગભગ 70% નું કારણ બને છે.

HPV Vaccine : એચપીવી રસી કેમ જરૂરી છે?

આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો.રાખી ગોયલના જણાવ્યા અનુસાર, 2006માં એચપીવી રસીની શરૂઆત સાથે, અમે સર્વાઇકલ કેન્સરની રોકથામમાં નોંધપાત્ર ફેરફાર જોયો છે. આ રસીઓ ચોક્કસ એચપીવી (HPV)ને લક્ષ્ય બનાવે છે, જે ચેપનું જોખમ અને સર્વાઇકલ કેન્સરની શક્યતા ઘટાડે છે. શરૂઆતમાં બે (એચપીવી-16, એચપીવી-18) અથવા ચાર (એચપીવી-6, એચપીવી-11, એચપીવી-16, એચપીવી-18) સામે રક્ષણ મેળવવા માટે વિકસાવવામાં આવી હતી. જો કે, તાજેતરમાં નવ સ્ટ્રેન સામે રક્ષણ પૂરું પાડતી નોન-વેલોરેસેન્ટ વેક્સિન પણ ઉપલબ્ધ થઈ છે, જેના કારણે બીમારીના રોકથામનો દાયરો વધ્યો છે.

ભારતમાં માન્યતા પ્રાપ્ત ઉપલબ્ધ એચપીવી રસીઓ

  • ક્વાડ્રિવેલેન્ટ વેક્સિન (એમએસડી દ્વારા ગાર્ડાસિલ): 9-45 વર્ષની વયની મહિલાઓ માટે મંજૂરી આપવામાં આવી છે.
  • નોનવેલેન્ટ વેક્સિન (એમએસડી દ્વારા ગાર્ડાસિલ 9): 9-45 વર્ષની વયની મહિલાઓ અને પુરુષો માટેમાન્ય છે.
  • ક્વાડ્રિવેલેંટ વેક્સિન (SIIL દ્વારા સર્વાવૈક): 9-26 વર્ષની વયની મહિલાઓ અને પુરુષો માટે માન્ય છે.
  • એચપીવી રસી સર્વાઇકલ કેન્સરનું જોખમ 90 ટકા સુધી ઘટાડી શકે છે. તે અન્ય કેન્સર સામે પણ રક્ષણ પૂરું પાડે છે, જેમ કે ગુદા અને વલ્વાના કેન્સર, તેમજ જેનિટલ મસા જેવી બિન કેન્સરગ્રસ્ત પરિસ્થિતિઓ સામે રક્ષણ પૂરું પાડે છે.

9 – 14 વર્ષની છોકરીઓને રસી મુકાવવી જરૂરી

મહત્તમ અસરકારકતા પ્રાપ્ત કરવા માટે, એચપીવીના સંપર્કમાં આવતા પહેલા રસી આપવી જોઈએ, આદર્શ રીતે કોઈ વ્યક્તિ જાતીય રીતે સક્રિય થાય તે પહેલાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) 9-14 વર્ષની વયની છોકરીઓને રસી આપવાની ભલામણ કરે છે. રસી લેનારની ઉંમરને આધારે બે-ડોઝ અથવા ત્રણ-ડોઝનું સમયપત્રક તૈયાર કરી શકાય છે.

સર્વાઇકલ કેન્સર વેક્સિનની આડઅસર

આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો.રાખી ગોયલના જણાવ્યા અનુસાર, આ રસી સામાન્ય રીતે સલામત છે. પરંતુ ઇન્જેક્શનના સ્થળે થોડી પીડા અથવા લાલાશ જેવી કેટલીક હળવી આડઅસરો છે. ગર્ભાવસ્થા દરમિયાન લેવાની મનાઈ છે, પરંતુ સ્તનપાન કરાવતી મહિલાઓ તેને સુરક્ષિત રીતે લઈ શકે છે. જો કોઈ મહિલા પ્રથમ ડોઝ પછી ગર્ભવતી થાય છે, તો ગર્ભાવસ્થા પછી આગળના ડોઝ આપી શકાય છે, જેમાં માતા અથવા બાળક પર કોઈ વિપરીત અસર થતી નથી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ એક મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. સર્વાઇકલ કેન્સરને નાબૂદ કરવાની તેની વૈશ્વિક વ્યૂહરચનાના ભાગરૂપે 2030 સુધીમાં 9-14 વર્ષની વયની છોકરીઓમાં 90% એચપીવી રસીકરણ કવરેજ હાંસલ કરવું. ઘણા દેશોએ એચપીવી રસીને તેમના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમોમાં સામેલ કરી છે, પરંતુ ભારતે હજી સુધી તેનું પાલન કર્યું નથી.

જનજાગૃતિ લાવવી જરૂરી છે. શૈક્ષણિક અભિયાન ખોટી માન્યતાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે અને રસીની વ્યાપક સ્વિકૃતિને પ્રોત્સાહિત કરી શકે છે, જે આખરે સર્વાઇકલ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. તબીબી વ્યાવસાયિકો અને જાહેર આરોગ્ય સલાહકારો તરીકે, આપણે એચપીવી રસીની પરિવર્તનશીલ સંભવિતતા પર ભાર મૂકવો જોઈએ. રસીકરણનો વ્યાપ વધારીને ભારત સર્વાઇકલ કેન્સરને અટકાવવા અને દર વર્ષે હજારો લોકોના જીવ બચાવવાની દિશામાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ