IRCTC Char Dham Yatra Package Price: ચારધામ યાત્રા 2024 શરૂ થઇ ગઇ છે. ચારધામ યાત્રામાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી મંદિરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉત્તરાખંડ આવે છે. ચારધામ યાત્રા બહુ જ કઠિન અને મુશ્કેલીભરી હોય છે. યાત્રીઓને રહેવા અને જમવાનું એડવાન્સ પ્લાનિંગ કરીને જવુ પડે છે, જેના કારણ ઘણી વખત યાત્રીઓ પ્રવાસની સંપૂર્ણ મજા માણી શકતા નથી. જો તમે ચિંતામુક્ત થઇ ચારધામ યાત્રાનો સંપૂર્ણ આનંદ માણવા માંગો છો તો ભારતીય રેલવે આઈઆરસીટીસી તમને મદદરૂપ થશે. આઈઆરસીટીસી ચારધામ યાત્રા પેકેજ લાવ્યું છે. તો ચાલો જાણીયે વિગતવાર
ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. ચારધામ યાત્રા શરૂ થવાની પહેલા જ લાખો શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. દેશ સહિત વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા કરવા ભારત આવે છે. જો તમે પણ ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો આઈઆરસીટીસી એ ચારધામ યાત્રાને લઈને એક ખાસ એર ટુર પેકેજ લાવ્યુ છે.
આઈઆરસીટીસી ચારધામ ટુર પેકેજ (IRCTC Char Dham Yatra Package)
આઈઆરસીટીસીના આ ચાર ધામ યાત્રા સ્પેશિયલ પેકેજનું નામ ચાર ધામ યાત્રા એક્સ ભોપાલ (Char Dham Yatra Ex Bhopal – WBA061) છે. આ ખાસ ટુર પેકેજ 11 રાત અને 12 દિવસનું છે. આઈઆરસીટીસીનું આ ચારધામ સ્પેશિયલ પેકેજ ચાલુ મહિને 25 મે, 2024ના રોજ મધ્યપ્રદેશના પાટનગર ભોપાલથી શરૂ થશે. ચાર ધામ ટુર પેકેજમાં યાત્રીઓને વિમાન અને રોડ ટ્રાવેલ કરવાનું રહેશે. જેમાં ભોપાલ થી દિલ્હી સુધી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ મળશે. ત્યારબાદ દિલ્હીથી આગળની યાત્રા રોડ માર્ગ દ્વારા થશે.
આઈઆરસીટીસી ચારધામ ટુર પેકેજમાં ક્યા ક્યા સ્થળો ફરવા મળશે
આઈઆરસીટીસીના ખાસ ચારધામ ટુર પેકેજમાં યાત્રીઓને બડકોટ, ગંગોત્રી, ગુપ્તકાશી, બદ્રીનાથ, હરિદ્વાર, જાનકીચટ્ટી, ઉત્તરકાશી, યમુનોત્રી, કેદારનાથ, સોનપ્રયાગની યાત્રા કરવા મળશે. આ ટુર પેકેજમાં એક કમ્ફર્ટ હોટલમાં 10 દિવસના રોકાણની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત યાત્રીઓને કેદારનાથમાં ધર્મશાળા, ગેસ્ટ હાઉસ અથવા ડોરમેટરીમાં એક રાત્રીના રોકાણન તક મળશે. યાત્રીઓને દિલ્હી થી સમગ્ર ટુર પેકેજ દરમિયાન નોન એસી ટેમ્પો ટ્રાવેલરથી ફરાવવામાં આવશે.
આઈઆરસીટીસી ચારધામ ટુર પેકેજમાં કઇ કઇ સુવિધા મળશે?
ભોજનની વાત કરીયે તો આ ચારધામ ટુર પેકેજમાં તમને બ્રેકફાસ્ટ અને ડિનર મળશે. સૌથી મોટી ખાસિયત એ છે કે, આઈઆરસીટીસીના આ ચારધામ ટુર પેકેજમાં યાત્રીઓને ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પણ મળશે. આ ટુર પેકેજની કિંમતમાં પાર્કિંગ ચાર્જ, ટોલ ટેક્સ, જીએસટીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો | ચારધામ યાત્રા 2024: કેદારનાથ મંદિર નજીક ફરવાના 7 શ્રેષ્ઠ સ્થળ, યાત્રા સાથે પ્રવાસની મજા
આઈઆરસીટીસી ચારધામ યાત્રા ટુર પેકેજ ચાર્જ (IRCTC Char Dham Yatra Package Price)
આઈઆરસીટીસી ચારધામ ટુર પેકેજના ચાર્જની વાત કરીયે તો સિંગલ બુકિંગ કરનાર યાત્રીને 95150 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. તો ડબલ શેરિંગમાં 62950 રૂપિયા અને ત્રિપલ શેરિંગમાં 56850 રૂપિયા ચાર્જ થશે. ઉપરાંત 5 થી 11 વર્ષ સુધીના બાળક માટે બેડ લેશો તો 38650 રૂપિયા અને જો બેડ નહીં લો તો 28900 રૂપિયા ચાર્જ થશે. જો તમે આ ખાસ ચારધામ યાત્રા પ્રવાસ એર ટૂર પેકેજ બુક કરવાનું વિચારી રહ્યા છો તો IRCTCની સત્તાવાર વેબસાઇટ પર જઇને બુક કરાવી શકો છો.