(શાહિન નૂર) શરીરમાં કોલેસ્ટ્રોલ વધવું એ એક પ્રકારની બીમારી છે જેનું કારણ અવ્યવસ્થિત જીવનશૈલી અને ખાણીપીણીની ખરાબ આદતો છે. કોલેસ્ટ્રોલ એ મીણ જેવો પદાર્થ છે જે લીવરમાંથી બહાર આવે છે. તે શરીરમાં લોહીનું પરિભ્રમણ કરતી નસો સહિત શરીરના દરેક ભાગમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ શરીરમાં વિટામિન ડી, હોર્મોન્સ અને પિત્તનું સર્જન કરે છે, જે શરીરની અંદર રહેલી ચરબીને પચાવવામાં મદદ કરે છે. ખોરાકમાં અમુક પ્રકારના ખોરાક જેમ કે ઈંડા, મીટ, માછલી અને દૂધ-ધી – બટર જેવા ડેરી પ્રોડક્ટોનું વધારે પડતા સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઝડપથી વધે છે.
કોલેસ્ટ્રોલના પ્રકાર
શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે – એક સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી શરીરમાં સમસ્યા – બીમારીઓ સર્જાય છે. ફિનલેન્ડના પાટનગર હેલસિંકીમાં નેશનલ પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય સંશોધક ડૉ. ગેંગ હુના જણાવ્યા અનુસાર, શરીરમાં કોલેસ્ટ્રોલનું ઉંચુ પ્રમાણ હૃદયની બીમારીઓ અને પાર્કિન્સન સહિત અનેક રોગોનું જોખમ વધારી શકે છે. કોલેસ્ટ્રોલ વધવાને કારણે સ્ટ્રોક અને હાર્ટ સંબંધિત બીમરીઓનું જોખમ પણ વધી જાય છે. જે લોકોના શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે વિચારપૂર્વક પોતાના ભોજનમાં તેલનું સેવન કરવું જોઈએ.
ભોજનમાં તેલનું વધારે પડતો ઉપયોગ શરીર માટે હાનિકારક
ભોજનમાં તેલનું વધારે પડતું સેવન માત્ર કોલેસ્ટ્રોલ લેવલ જ નથી વધારતું સાથે સાથે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધારે છે. એઇમ્સના ભૂતપૂર્વ કન્સલ્ટન્ટ અને સાઓલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર ડૉ. વિમલ ઝાંઝરના જણાવ્યા અનુસાર, તેલમાં કોલેસ્ટ્રોલ નથી હોતું પરંતુ ટ્રાઇગ્લિસરાઈડ હોય છે. કોલેસ્ટ્રોલ પશુઓમાંથી મળતા ખોરાકમાં જોવા મળે છે. શાકભાજી- ફળફળાદીમાં કોલેસ્ટ્રોલ હોતું નથી, માત્ર પશુઓમાં મળતા ખોરાક એટલે કે ઇંડા, મીટ, ફિશમાં કોલેસ્ટ્રોલ હોય છે. ચાલો જાણીએ કે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ક્યા-ક્યા તેલના સેવનથી બચવું જોઈએ અને ભોજનમાં ક્યાં તેલનો ઉપયોગ કરવો જોઈએ.

કયા તેલમાં કોલેસ્ટ્રોલ નથી હોતું (Cholesterol Free oil)
કૃષિ પાકોમાંથી બનતા ખાદ્યતેલોમાં કોલેસ્ટ્રોલ હોતું નથી, ફક્ત ટ્રાઇગ્લિસરાઈડ હોય છે. સનફ્લાવર ઓઈલ, કેનોલા ઓઈલ, સોયાબીન તેલ અને સરસવ તેલ જેવા કૃષિ તેલીબિયાંમાંથી બનતા ખાદ્યતેલો એ બધા પ્લાન્ટ બેઝ એડિબલ ઓઈલ છે જેમાં કોલેસ્ટ્રોલ હોતું નથી. આ તેલમાં કોલેસ્ટ્રોલ નથી હોતું માત્ર ટ્રાઈગ્લિસરાઈડ હોય છે.
કોલેસ્ટ્રોલ વધારતા ખાદ્યતેલો
કોલેસ્ટ્રોલ વધારતા ખાદ્યતેલના બે પ્રકાર છે. ઘી (GHEE) અને કૉડ લિવર ઓઈલ (COD LIVER OIL) એવા બે તેલ છે જેમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ હોય છે. ઘી અને આ તેલના સેવનથી કોલેસ્ટ્રોલના દર્દીઓની સમસ્યાઓ વધી શકે છે, આથી આવા તેલના સેવનથી બચવું જોઇએ. જે લોકોના શરીરમાં પહેલાથી જ કોલેસ્ટ્રોલનું પ્રમામ વધારે હોય તેમણે આવા તેલનું સેવન કરવાનું ટાળવું જોઈએ.