/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Dalvada-Recipe.jpg)
બજાર જેવા દાળવડા બનાવવાની રેસીપી (પ્રતિકાત્મક)
Dalvada Recipe | દાળવડા રેસીપી : ગુજરાતમાં ચોમાસુ જામી ગયું છે, મેઘરાજાની રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં સવારી પહોંચી રહી છે. ત્યારે વરસાદમાં ગરમા ગરમ દાળવડા ખાવાનું મન દરેક ને થઈ જાય છે. વરસાદ પડતાની સાથે જ અમદાવાદના તમામ ફેમસ દાળવડા સેન્ટરો પર લોકોની ભારે ભીડ જોવા મળે છે. તો તમે પણ આવા ટેસ્ટી અને ક્રિસ્પી દાળવડા ઘરે પણ બનાવી શકો છો. તો આ રીત જોઈલો પછી પરિવાર સાથે બેસી ગરમા ગરમ બજાર જેવા જ દાળવડા ખાઈ શકશો.
દાળવડા બનાવવા માટે સામગ્રી
મગની મોગર દાળ - 300 ગ્રામ
મગની ફોતરાવાળી દાળ - 150 ગ્રામ
ચોળાની દાળ - 75 ગ્રામ
લીલા મરચા - 7-8
આદુ - એક માપનો કટકો
લસણની પેસ્ટ - 7-8 કળીની
મીઠુ - સ્વાદ અનુસાર
હિંગ - એક નાની ચમચી
ખાવાનો સોડા - એક બે ચપટી
તેલ - કડાઈના માપ પ્રમાણે
દાળવડાનું ખીરૂ બનાવવા ત્રણ દાળનો ઉપયોગ કરવો
મગની મોગર પીળા દાળ જેટલી લો તેનાથી અડધી મગની ફોતરાવાળી દાળ અને મગની ફોતરાવાળી દાળ જેટલી લો તેનાથી અડધી ચોળાની દાળ લેવાની. દાળ બરાબર ધોઈ, સાત થી આઠ કલાક પલાડી રાખવાની, પછી પાણી ગાળી દઈ, દાળને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી દેવાની.
દાળવડા રેસીપી : ખીરૂ તૈયાર કરવાની સિક્રેટ રીત
દાળને ગ્રાઈન્ડ કરતી વખતે પાણીનો ઓછો ઉપયોગ કરવાનો જરૂર પડે તો જ બે-ચાર ચમચી પાણીનો ઉપયોગ કરવો. આ સિવાય દાળ પૂરી એકદમ ક્રશ નથી કરવાની થોડી અધ કચરી રાખવી. ત્યારબાદ આ ખીરૂ કોઈ વાડકા કે તપેલીમાં કાઢી લેવાનું અને તેને હાથની આંગળી વડે એક તરફી (એક ડાયરેક્શનમાં) પાંચ મિનીટ હલાવવું, જેથી તેમાં ધીમે ધીમે ખીરામાં હવા ભરાશે. જેમ જેમ તમે ખીરાને ફેટશો તેમ તેનો કલર પણ થોડો બદલાઈ જશે. આ રીત અપનાવશો તો દુકાન જેવા જ દાળવડા તૈયાર થશે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા બનશે.
હવે મિકેસરમાં સાત આઠ મરચા સમારી નાખી દો, તેની સાથે આદુના કટકા પણ કરી દો, અને એક મોટી ચમચી લસણની પેસ્ટ તેમાં નાખી દો. હવે પાણી નાખ્યા વગર જ મિક્સર ચાલુ કરી દો, તમારી આદુ, મરચા અને લસણની પેસ્ટ તૈયાર.
તો હવે આ પસ્ટ દાળવડાના ખીરામાં નાખી દો, અને તેમાં સ્વાદ અનુસાર, મીઠુ ઉમેરી દો, સાથે એક નાની ચમચી હિંગ, અને એક-બે ચપટી ખાવાનો સોડા નાખી દો. હવે આને ખીરા સાથે હલાવીન મિક્સ કરી દો. હવે દાળવડાનું ખીરૂ પુરી રીતે તૈયાર થઈ ગયું છે, બસ તળવાનું બાકી.
દાળવડા બનાવવાની રીત
એક વાસણમાં તેલ ગરમ કરવા મુકી દો, તેલ ગરમ થઈ ગયા બાદ ગેસની ફ્લેમ ધીમી પણ નહીં અને ફાસ્ટ પણ નહીં, મીડિયમ કરી દેવાની ત્યારબાદ ખીરૂ થોડુ થોડુ કરી નાખવાનું. દાળવડા તેલમાં નાખ્યા બાદ એક-દોઢ મીનિટે તેને પલટાવવાના, ચાર મીનિટમાં પુરા સરસ રીતે તળાઈ જશે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે. પછી કાઢી નાખવાના.
દાળવડા તળતા ધ્યાન રાખવાની બાબત
દાળવડા જ્યારે તમે તળવા મુકો છો ત્યારે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ, જો તમે ગેસની ફેમ વધારે રાખી તળશો તો ઉપરથી તો તળાઈ જશે, પરંતુ અંદરથી કાચા રહી જશે, જેથી તેલ મીડિયમ ગરમ જ રહેવું જોઈએ, તેનું ધ્યાન રાખવું.
દાળવડા સાથે તળેલા મરચા અને ડુંગળી સર્વ કરો
તો હવે રાહ શેની જુઓ છો, બહાર વરસાદી વાતાવરણ જામેલું છે, ગરમા ગરમ દાળવડાની સાથે કાચી ડુંગળી ડીસમાં સમારી દો તેમાં થોડું મીઠુ અને લીંબુનો રસ ઉમેરી શકો છો, બીજી બાજુ લીલા મરચા તળી દો તેમાં પણ થોડું મીઠુ ઉમેરી ખાવાનું શરૂ કરી દો. પતિદેવ અને બાળકો બુમ પાડી કહેશે, જોરદાર અમદાવાદના 'ફલાણા-ઢીમકા' જેવા જ ટેસ્ટી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us