Creamy Methi Matar Malai Recipe : શિયાળામાં મેથીની ભાજી અને લીલા વટાણા માંથી એક સ્વાદિષ્ટ સબ્જી, મેથી મટર મલાઇ બને છે. મેથી અને વટાણા સાથે ફ્રેશ ક્રિમનો સ્વાદ અને સુગંધ અદભુત હોય છે. મેથી વટાણાના શાકમાં જ્યારે ક્રીમ ઉમેરાય છે, ત્યારે તે શાહી વાનગી જેવી લાગે છે. હોટેલ કે લગ્ન પ્રસંગોમાં બનતી ક્રિમી મેથી મટર મલાઇ સબ્જી ઘરે પણ સરળતાથી બની શકે છે. અહીં મેથી મટર મલાઇ સબ્જી બનાવવાની રેસીપી જણાવી છે.
મેથી માટર મલાઈ સબ્જી બનાવવા માટે સામગ્રી
- મેથીની ભાજી : 250 ગ્રામ
- લીલા વટાણા : 100-150 ગ્રામ
- ડુંગળી : 1 નંગ
- આદુ લસણની પેસ્ટ : 2 ચમચી
- કાજુ : 8-10
- ફ્રેશ મિલ્ક ક્રીમ : 1.5 કપ
- દૂધ : અડધો કપ
- જીરું : 1 ચમચી
- હળદર : અડધી ચમચી
- ગરમ મસાલા પાવડર : એક ચમચી
- મીઠું મરચું : સ્વાદ માટે
Methi Matar Malai Recipe : મેથી મટર મલાઈ સબ્જી બનાવવાની રીત
સૌ પ્રથમ કાજુને પાણીમાં અડધો કલાક પલાળી રાખો. ત્યારબાદ તેમાં થોડું દૂધ ઉમેરો અને મિક્સરમાં તેની પેસ્ટ બનાવો. આ પછી, એક કઢાઇમાં તેલ અથવા દેશી ઘી ગરમ કરો, તેમાં તાજી મેથી ભાજી 2 થી 3 મિનિટ સુધી પકવવો, તેનાથી મેથીની કડવાશ દૂર થશે.
હવે એ જ કઢાઇમાં થોડુંક તેલ ઉમેરો અને તેમાં જીરૂ, ડુંગળી, આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચા સાંતળી લો. તે પછી તેમાં કાજુની પેસ્ટ ઉમેરી ધીમા તાપ પર બે-ત્રણ મિનિટ સુધી રાંધી લો. આ પછી તેમાં હળદર, ધાણા, મીઠું અને ગરમ મસાલો ઉમેરો.
હવે તેમાં દૂધ અને ક્રીમ ઉમેરો અને થોડા સમય માટે ચમચી વડે સતત હલાવતા રહો. તે પછી તેમાં પહેલાથી ફ્રાય કરેલી મેથીની ભાજી અને બાફેલા વટાણા ઉમેરો. તેને પાંચથી સાત મિનિટ સુધી ધીમા તાપ પર રંધાવા દો. હવે મેથી મટર મલાઈ સબ્જી તૈયાર છે. તેની ઉપર થોડું ફ્રેશ ક્રીમ અને લીલા કોથમીરના પાન ઉમેરી સર્વ કરો. મેથી મટર મલાઈ સબ્જી ભાત કે રોટલી સાથે પીરસો.





