Diabetes | ડાયાબિટીસ (diabetes) ધરાવતા લોકોએ તેમના આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડાયાબિટીસ નિયંત્રણ માટે આહારમાં ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાર્બોહાઇડ્રેટ્સ ઘટાડે અને તેને વધુ પ્રોટીનથી બદલતો આહાર બ્લડ સુગર લેવલ જાળવવામાં મદદ કરશે, એવું એમ મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. આર.એમ. અંજનાએ જણાવ્યું હતું.
ડાયાબિટીસ પર એક્સપર્ટે જણાવ્યું કે અનાજ બ્લડ સુગરના સ્તરને કેવી રીતે અસર કરે છે તેના પર એક અભ્યાસ હાથ ધર્યો. તેમણે ભારતીયોની આહારની આદતો અને આઇસોકેલોરિક આહારની અસરોની તપાસ કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ-ઇન્ડિયા ડાયાબિટીસ (ICMR-INDIAB) સર્વેના ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ સર્વેમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના 1,21,077 પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ડૉ. અંજનાએ સ્પષ્ટતા કરી હતી કે ‘અમને જાણવા મળ્યું છે કે સામાન્ય ભારતીય આહાર, જેમાં ચોખા અથવા ઘઉંનો લોટ સહિત કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે, અને ક્વોલિટી પ્રોટીન ઓછું હોય છે, તે લાખો લોકોને જોખમમાં મૂકી રહ્યું છે. ફક્ત ચોખા (સફેદ) માંથી ઘઉં અથવા બાજરી તરફ સ્વિચ કરવું પૂરતું નથી, પરંતુ કુલ કાર્બોહાઇડ્રેટનું સેવન ઘટાડવું જોઈએ અને પ્લાન્ટ અથવા ડેરી પ્રોટીનમાંથી વધુ કેલરી મેળવવી જોઈએ.’
મુંબઈ સ્થિત એન્ડોક્રિનોલોજિસ્ટ અને અભ્યાસના લેખકોમાંના એક ડૉ. શશાંક જોશીએ 2014 માં બીજો એક અભ્યાસ હાથ ધર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં કુલ કેલરીનો 64.1 ટકા કાર્બોહાઇડ્રેટ્સમાંથી આવે છે, જે તેમના માટે ભલામણ કરેલ લિમિટ કરતા વધુ છે. તેમણે કહ્યું કે ઔદ્યોગિકરણ અને ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં સ્થળાંતરના પરિણામે પર્યાવરણીય અને લાઇફસ્ટાઇલમાં પરિવર્તને ભારતીયોમાં ટાઇપ 2 ડાયાબિટીસમાં વધારો કર્યો છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરવાના કેટલાક ઉપાયો
મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના ફૂડ સાયન્ટિસ્ટ સુધા વાસુદેવને ડાયાબિટીસને નિયંત્રિત કરવાના કેટલાક રસ્તાઓ સૂચવ્યા છે. તેણે કહ્યું કે “તમે નાસ્તામાં ચાર ઇડલીની સંખ્યા ઘટાડી શકો છો, કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. તેના બદલે, તમે દાળ સાથે વધુ સાંભાર ખાઈ શકો છો. તેવી જ રીતે, આલુ પરાઠાની સંખ્યા ઓછી કરો અને તેના બદલે, વધુ દહીં અને દાળ ફ્રાયનો સમાવેશ કરો.’
કાર્બોહાઇડ્રેટ્સ અને સંતૃપ્ત ચરબી ઘટાડવાથી અને પ્લાન્ટ અને ડેરી પ્રોટીનનો વપરાશ વધારવાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે. અભ્યાસના તારણો દર્શાવે છે કે કાર્બોહાઇડ્રેટ્સમાંથી પાંચ ટકા એનર્જીને છોડ, ડેરી, ઇંડા અથવા માછલીના પ્રોટીનમાંથી પાંચ ટકા એનર્જીથી બદલવાથી ટાઇપ 2 ડાયાબિટીસ અને પ્રીડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.
ડૉ. અંજનાએ સમજાવ્યું કે “અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કાર્બોહાઇડ્રેટ્સમાંથી મળતી દૈનિક કેલરીના માત્ર પાંચ ટકાને છોડ અથવા ડેરી પ્રોટીનથી બદલવાથી ડાયાબિટીસ અને પ્રીડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થઈ ગયું છે. કાર્બોહાઇડ્રેટ્સને રેડ મીટ પ્રોટીન અથવા ચરબીથી બદલવાથી સમાન અસર થઈ નથી.’