Diabetes Diet : ભારતમાં ડાયાબિટીસ રોગનો વ્યાપ દર વર્ષે વધી રહ્યો છે. મોટાઓથી લઈને બાળકો સુધી દરેક તેની ઝપેટમાં આવી રહ્યા છે. સમયસર લક્ષણોની ઓળખ ન થવાને કારણે, આ રોગ શોધી શકાતો નથી. જો કે ડાયાબિટીસ પહેલા તેના ઘણા લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. આને પ્રી ડાયાબિટીસ સ્ટેજ કહે છે. ડોક્ટર્સનું કહેવું છે કે જો આ સ્ટેજમાં રોગને કાબૂમાં રાખવામાં આવે તો ડાયાબિટીસનો શિકાર બનવાથી બચી શકાય છે. ત્યારે અમે તમને એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવનથી ડાયાબિટીસને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
આરોગ્ય નિષ્ણાતો ડાયાબિટીસના પ્રારંભિક કારણોમાં ખરાબ આહાર અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને સૌથી મહત્વપૂર્ણ માને છે. ખરાબ ખોરાક અને શારીરિક પ્રવૃત્તિમાં શિથિલતા સ્વાદુપિંડમાંથી મુક્ત થતા ઇન્સ્યુલિનની માત્રામાં ઘટાડો કરે છે. તેનાથી શુગરનું પાચન યોગ્ય રીતે થતું નથી. જેને પગલે તે લોહીમાં જમા થવા લાગે છે. જેને ડાયાબિટીસ કહેવામાં આવે છે. એટલે કે ડાયાબિટીસથી પીડિત લોકોના લોહીમાં સુગરનું પ્રમાણ અનિયંત્રિત રીતે વધવા લાગે છે.
બીજી તરફ આ બીમારીનો હજુ સુધી કોઈ ઈલાજ મળ્યો નથી. તેવામાં જીવનશૈલીમાં હેલ્થી ફેરફારની સાથે આરોગ્ય નિષ્ણાતો આહારમાં કેટલીક વિશેષ વસ્તુઓનો સમાવેશ કરીને રક્તમાં ગ્લુકોઝની માત્રાને સામાન્ય બનાવવાની ભલામણ કરે છે.
ડૉ વી મોહનના જણાવ્યા અનુસાર, એવા ઘણા છોડ અને વૃક્ષો છે જેમાં કુદરતી રીતે બનતા સંયોજનો અને પોષક તત્વો હોય છે, જે બ્લડ સુગર ઘટાડવામાં અસરકારક છે. જે પૈકી એક મોરિંગા એટલે કે ડ્રમસ્ટિક પ્લાન્ટ. મોરિંગાના પાંદડામાં આઇસોથિયોસાયનેટ નામનું રાસાયણિક સંયોજન જોવા મળે છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. આ સિવાય આ છોડના પાંદડામાં જોવા મળતું ક્લોરોજેનિક એસિડ શરીરમાં ફાયદાકારક છે. આ સાથે ઇન્સ્યુલિનને પણ અસર કરે છે.
વર્ષ 2019માં, પબમેડ દ્વારા ઉંદરો પર હાથ ધરવામાં આવેલા પરીક્ષણમાં, જાણવા મળ્યું હતું કે મોરિંગા એટલે કે ડ્રમસ્ટિકના પાંદડા પ્રિડાયાબિટીસ અને ટાઇપ 2 ડાયાબિટીસમાં ખૂબ અસરકારક છે. જો કે આ માટે આ પાનનું યોગ્ય રીતે સેવન કરવું ખૂબ જ જરૂરી છે.
ડો. વી મોહનના મતે, મોરિંગાના પાનને વધારે પકાવા જોઈએ નહીં. કારણ કે તેમાં રહેલા શરીર માટે ઘણા જરૂરી પોષક તત્વો નાશ પામે છે. ઉપરાંત, આ પાંદડાઓમાં હાજર ફાઇબરની માત્રામાં પણ ભારે ઘટાડો થાય છે. આ સિવાય તમે કાચા મોરિંગાના પાનનું સેવન કરી શકો છો.ઉપરાંત, તમે તેને પાવડર અથવા રસ બનાવીને પણ પી શકો છો.
નોંધનીય છે કે, મોરિંગાના પાનમાં પ્રોટીન, વિટામિન A, B, C અને E સહિત ફોલેટ, પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિય વગેરે સામેલ હોય છે. જો કે સગર્ભા મહિલા કે સ્તનપાન કરાવનાર સ્ત્રીઓએ આ પાનનું સેવન કરતા પહેલા તબીબની સલાહ લેવી અનિવાર્ય છે.





