Vegetables to Avoid During Monsoon | ચોમાસુ (Monsoon) એ પ્રકૃતિની સુંદરતા અને તાજગી લાવે છે, પણ સાથે સાથે કેટલાક હેલ્થ સંબંધિત પડકારો પણ લઈને આવે છે. આ ઋતુમાં પાચનતંત્ર નબળું પડે છે અને ભેજનું પ્રમાણ વધવાને કારણે બેક્ટેરિયા તથા ફૂગનો ઉપદ્રવ પણ વધે છે. આવા સમયે આપણે આહાર પ્રત્યે વિશેષ ધ્યાન આપવું જોઈએ. કેટલીક શાકભાજી એવી છે જેને ચોમાસામાં ટાળવી હિતાવહ છે, જેથી પેટ સંબંધિત સમસ્યાઓથી બચી શકાય અને સ્વસ્થ રહી શકાય.
ચોમાસામાં કઈ શાકભાજી ટાળવી?
પાંદડાવાળી શાકભાજી
પાલક, મેથી, કોથમીર, મૂળાના પાન, કોબીજ, ફ્લાવર જેવી પાંદડાવાળી શાકભાજી ચોમાસામાં ટાળવી જોઈએ. આ શાકભાજીના પાંદડાઓમાં ધૂળ, માટી અને કાદવના કણો ફસાયેલા હોય છે. વરસાદને કારણે તેમાં ભેજનું પ્રમાણ વધે છે, જેનાથી બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ સરળતાથી વિકાસ પામે છે.
તેમને ગમે તેટલી સારી રીતે ધોવામાં આવે તો પણ તેમાં છુપાયેલા જીવાણુઓ દૂર થતા નથી, જે પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.
મશરૂમ
ચોમાસામાં મશરૂમનું સેવન ન કરવું જોઈએ. મશરૂમ ભેજવાળી અને ગરમ જગ્યાએ ઉગે છે, જે ફૂગ અને બેક્ટેરિયાના વિકાસ માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે. ચોમાસામાં બજારમાં મળતા મશરૂમ દૂષિત હોવાની શક્યતા વધુ હોય છે, જેનાથી ફૂડ પોઈઝનિંગનો ખતરો રહે છે.
ફ્લાવર
ફ્લાવર પણ પાંદડાવાળી શાકભાજીની જેમ જ ચોમાસામાં ટાળવી જોઈએ. તેના ફૂલોની અંદરના ભાગમાં કીડા અને નાના જીવાણુઓ છુપાઈ શકે છે, જેને સંપૂર્ણપણે સાફ કરવા મુશ્કેલ હોય છે. આ પ્રમાણે કોબીજ ખાવાનું પણ ટાળવું જોઈએ કારણ કે એ વધારે લેયરની બનેલી હોય છે અને એમાં ફૂડ બેક્ટેરિયા અંદર રહેવાની શક્યતાઓ વધી જાય છે.
રીંગણ
રીંગણ ચોમાસામાં ટાળવા જેવી શાકભાજી છે, આ ઋતુમાં રીંગણમાં કીડા પડવાની શક્યતા ઘણી વધી જાય છે. ભલે તે બહારથી સારા દેખાતા હોય, પરંતુ અંદરથી તેમાં કીડા હોઈ શકે છે. આ ઉપરાંત રીંગણ વાયુ કરનાર શાકભાજી છે, જે ચોમાસામાં નબળા પાચનતંત્ર પર વધુ ભાર પાડી શકે છે.
હળદરનું વધારે પડતું સેવન લીવર ડેમેજનું કારણ બને?
ચોમાસામાં કઈ શાકભાજી ખવાય : ચોમાસામાં કારેલા, દૂધી, પરવળ, ગલકા, તુરીયા, ભીંડા અને દુધી જેવા શાકભાજી ખાવા જોઈએ.
હેલ્થ ટિપ્સ
- શાકભાજીને હંમેશા પાણીમાં બરાબર ધોઈને જ ઉપયોગમાં લો.
- ચોમાસામાં કાચા સલાડનું સેવન ઓછું કરવું જોઈએ. શાકભાજીને રાંધીને ખાવી વધુ સુરક્ષિત છે.
- પાણી ઉકાળીને પીવું અથવા ફિલ્ટર કરેલા પાણીનો જ ઉપયોગ કરવો.
- તાજા અને સ્વચ્છ ખોરાકનું સેવન કરો.





