Gujarati Handvo Recipe : હાંડવા ની રેસીપી :હાંડવા નું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય. તેમાં પણ ગુજરાતી સ્ટાઈલમાં બનાવેલો હાંડવો તો, કોઈ એકવાર ખાય તો જિંદગીમાં તેનો સ્વાદ ના ભૂલે. ગુજરાતમાં તો હાંડવો લગભગ પરિવારના દરેક નાના, મોટા બધાને ભાવે છે. તો તમે પણ મસ્ત ફૂલોલો, ટેસ્ટી અને ક્રિસ્પી હાંડવો બનાવવાનું જો વિચારી રહ્યા હોવ અને ના આવડ તો હોય તો, અમે તમને પરફેક્ટ માપ સાથે (ચાર-પાંચ વ્યક્તિ માટે), ઝીણી ઝીણી તમામ ધ્યાનમાં રાખવાની વાત સાથે ગુજરાતી હાંડવો બનાવવાનું જણાવી રહ્યા છીએ, તો ચાલો જોઈએ કે કેવી રીતે ટેસ્ટી, ક્રિસ્પી અને અંદરથી પોચો હાંડવો બનાવી શકાય.
હાંડવો બનાવવાની સામગ્રી
હાંડવાનો લોટ – 580 ગ્રામખાટું દહીં – (150 ગ્રામ, જો મોળું દહીં હોય તો થોડુ વધારે લેવું)છીણેલું ગાજર – (55 ગ્રામ)છીણેલી દુધી – (100 ગ્રામ)તલ – (ચાર મોટી ચમચી, નોંધ – બે ચમચી ખીરામાં અને બે ચમચી વઘારમાં)ધાણાજીરૂ – (બે ચમચી)હળદળ – (અડધી ચમચી)લાલ મરચું – (એક મોટી ચમચી)સીંગદાણા – (15-20 નંગ)આદુ,લસણ,લીલા મરચાની પેસ્ટ – (ત્રણ ચમચી)મીઠું – (એક ચમચી આથો લાવ્યા પહેલા લોટમાં અને પોણા ચમચી આથો આવી ગયા બાદ)ખાંડ – (બે મોટી ચમચી)કોથમી સમારેલી – (બે ચમચીમાં આવે એટલી)તેલ – કૂલ 150 ગ્રામ (50 ગ્રામ ખીરામાં એડ કરો, 100 ગ્રામ વઘારમાં)રઈ – (દોઢ ચમચી)હીંગ – (અડધી ચમચી)મીઠો લીમડાના પાન – (15 નંગ)સૂકુ મરચું – (બે નંગ)
હાંડવાનું ખીરૂ બનાવવાની રીત અને આથો લાવવાની રીત
સ્ટીલના બાઉલમાં હાંડવાનો લોટ લઈશું અધકચરો, પછી તેમાં તે જ સમયે એક ચમચી મીઠુ નાખી દઈશું, આનાથી તેમાં ફરમેન્ટેશન ઝડપથી આવશે. હવે તેમાં દહીં ઉમેરી દઈશું. હવે આ લોટમાં 500 ગ્રામ પાણી ઉમેરી દેવું. આ માપ સાથે તમારૂ ખીરૂ વધારે ઝાડુ પણ નહીં, અને વધારે પતલું પણ નહીં થાય. હવે આ ખીરૂ કોઈ ઊંડા વાસણમાં લઈ લેવાનું, કારણ કે હવે આથો લાવવા તેને 12-15 કલાક મુકી રાખવાનું છે, અને આથો આવતા સમયે ખીરૂ થોડુ ફૂલશે.
તમને જણાવી દઈએ કે, આથો લાવવા વાસણ સારી રીતે કપડાથી બાંધી દેવું. આ સિવાય ઘરમાં ઘરમાં જગ્યા નજીક આ વાસણ રાખવું, કોઈ ડબ્બામાં બંધ કરીને પણ રાખી શકો છો, અથવા થોડો સમય માટે તડકે પણ રાખી શકો છો. આવું કરવાથી આથો સરસ અને ઝડપી આવી જશે, અને ખીરામાં મસ્ત જાળી પણ પડી જશે.
હાંડવો બનાવવાની રીત
હવે 15 કલાક બાદ આથો આવી ગયો હશે, હવે તેને ચમચાથી એક જ ડાયરેક્શનમાં બરોબર હલાવી દો. હવે ખીરામાં બધી વસ્તુ એડ કરીએ, તો પહેલા છીણેલુ ગાજર અને છીણેલી દુધી નાખો, પછી તેમાં બે ચમચી તલ, બે ચમચી ધાણાજીરૂ, અડધી ચમચી હળદળ, એક ચમચી લાલ મરચુ, 15-20 નંગ સીંગદાણા, આદુ, લસણની પેસ્ટ, મીઠુ અડધી-પોણી ચમચી, બે ચમચી ખાંડ, બે ચમચી સમારેલી કોથમી. હવે ખીરૂ આ બધી વસ્તુ સાથે બરાબર હલાવી મિક્સ કરી દો.
હવે ગેસ પર એક વઘારીયું મુકો, તેમાં 50 ગ્રામ તેલ નાખો અને ગરમ કરો, હવે આ તેલ મિક્સ કરેલા ખીરામાં નાખી દો, અને હલાવી દો. તમને જણાવી દઈએ કે, આ રીતે ખીરામાં તેલ નાખવાથી હાંડવો જ્યારે તૈયાર થઈ જશે ત્યારે, ઠંડો હશે તો પણ મોંઢામાં ડચૂડો નહીં વળે, અને ખાવાની મજા આવી જશે.
હવે બીજી તૈયારી શરૂ કરો, હાંડવાનું કુકર લો, તેમાંથી હોલ વાળી પ્લેટ કાઢો અને એક ડીસમાં રાખો. હવે આ હોલવાળી પ્લેટની જગ્યામાં મીઠુ ભરી દો, તમે માટી પણ ભરી શકો છો. હવે તેને ગેસ પર ગરમ કરવા મુકી દો, તે ગરમ થઈ જાય પછી હાંડવાનું કુકર તેની પર ગરમ કરવા મુકો, ધીમી ફ્લેમમાં.
બીજી બાજુ બીજા ગેસ પર વગારીયું લો અને તેમાં 100 ગ્રામ તેલ મુકો, તેલ થોડુ ગરમ થઈ જાય એટલે તેમાં દોઢ ચમચી રઈ અને બે ચમચી તલ નાખી દો, હવે અ15ડધી ચમચી હીંગ નાખી દો, સાથે 15 મીઠા લીમડાના પાન અને બે સૂકા લાલ મચરા પણ તેલમાં નાખી દો. હવે આ વઘારનો અડધું મટેરીયલ કુકરમાં નાખી દો, અને થોડુ વઘારીયામાં રહેવા દો, જે પછી ઉપરથી નાખવા કામમાં આવશે.
હવે આપણા ખીરા પાસે જઈએ, તેમા હવે પા ચમચી બેકિંગ સોડા નાખો અને એક જ ડાયરેક્શનમાં હલાવી મિક્સ કરી દો. તમને જણાવી દઈએ કે, ખીરૂ જ્યારે કૂકરમાં નાખવાનું હોય તે સમયે જ સોડા ઉમેરશો, જો પહેલા ઉમેર્યો તો, હાંડવો ફૂલશે નહીં. હવે આ મિક્સ ખીરૂ ગરમ કરવા મુકેલા કૂકરમાં નાખી દો, ધ્યાનથી કુકરમાં કાંણામાં ખીરૂ ન પડવું જોઈએ અને કુકરમાં ચોંટેલુ પણ ન રહેવું જોઈએ. હવે જે વઘાર રાખી મુક્યો છે તે લો અને ખીરાની ઉપર નાખી દો. હવે ઉપરથી થોડા તલ નાખી શકો છો.
હાંડવાને ગેસ પર કેટલો સમય પકવવો
હવે કૂકરનું ઢાંકણુ ઢાંકી દો, પછી શરૂઆતની 10 મીનિટ મીડિયમ ફ્લેમ પર પકવા દો, પછીની 20-25 મિનીટ ગેસની ધીમી ફ્લેમ પર બેક કરો. હવે અડધો-પોણો કલાક થઈ ગયા બાદ ઢાંકણુ ખોલી શકો છો, એક ચપ્પાથી ચેક કરો હાંડવો ચઢી ગયો છે કે નહીં, જો ચઢી ગયો હશે તો ચપ્પુ ક્લીન બહાર આવી જશે,ખીરૂ ચોંટ્યા વગર. લો તમારો ટેસ્ટી, ઉપરથી ક્રિસ્પી હાંડવો તૈયાર.
આ પણ વાંચો – Dalvada Recipe | દાળવડા રેસિપી : અમદાવાદના પ્રખ્યાત ટેસ્ટી-ક્રિસ્પી દાળવડા બનાવવાની પરફેક્ટ સિક્રેટ રીત
હાંડવો આ વસ્તુ સાથે સર્વ કરો
હાંડવો થોડો 10 મીનિટ ઠંડો થવા દો, પછી તેને તાવેતાની મદદથી કાપી પ્લેટમાં પરિવારને સર્વ કરો. હાંડવા સાથે તમે ચા, અથવા કેચપ ખાઈ શકો છો. આ સિવાય તમને જો કાચા તેલથી વાંધો ન હોય તો સીંગ તેલ સાથે ખાવાની પણ એક અલગ જ મજા છે.





