/indian-express-gujarati/media/media_files/2026/02/17/health-myth-vs-fact-check-2026-02-17-14-12-21.jpg)
Health Myth VS Fact Check : સ્વાસ્થ્ય માન્યતા અને હકીકત Photograph: (Freepik)
Health Myth VS Fact Check : પથરી કિડની, પિત્તાશય અને પેશાબમાં થાય છે. ભારતમાં પથરી ઓગાળવા ઘણા દેશી નુસ્ખા અમાજવાય છે. ઘણી વાર એવું સાંભળવામાં આવે છે કે બિયર પીવાથી કિડનીની પથરી ઓગળી જાય છે અથવા પપૈયું ખાવાથી તમામ પ્રકારની કબજિયાત દૂર થાય છે. પરંતુ શું આ દાવાઓ પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર છે અથવા તે ફક્ત સાંભળેલી વાતો છે? અહીં હેલ્થ એક્સપર્ટ્સ અને તબીબી વિજ્ઞાનની મદદથી આ 4 પ્રચલિત સ્વાસ્થ્ય માન્યતાઓનું પોસ્ટમોર્ટમ કરીશું, જેથી તમે તથ્યોના આધારે તમારા સ્વાસ્થ્યને લગતા કોઈપણ નિર્ણય લઈ શકો.
અમે ફોર્ટિસ હોસ્પિટલના ગેસ્ટ્રોએંટેરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો.શુભમ વાત્સ્યાને પાચન સંબંધિત કેટલીક માન્યતાઓના જવાબ આપવા જણાવ્યું છે. ચાલો જાણીએ કે કઈ કઇ એવી માન્યતાઓ ખોટી છે પરંતુ તમે તેને સાચા માની સારવાર કરવા લાગો છો.
માન્યતા 1 : ભોજન કર્યા પછી તરત જ પાણી પીવું જોઈએ?
Fact Check : ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેવી ધારણા સંપૂર્ણપણે સાચી નથી. ડોકટરોના જણાવ્યા અનુસાર, તે એક સામાન્ય માન્યતા છે કે ખાધા પછી પાણી પીવાથી પાચન બગડે છે અથવા ગેસ્ટ્રિક રસ પાતળા થાય છે. હકીકતમાં, આપણું શરીર પાચન પ્રક્રિયાને સંતુલિત રીતે નિયંત્રિત કરે છે. થોડી માત્રામાં પાણી પીવાથી પાચન પર કોઈ નકારાત્મક અસર થતી નથી. તેના બદલે, મર્યાદિત માત્રામાં પાણી ખોરાકને નરમ કરવામાં, ખોરાકને ગળી જવામાં સરળતા અને પોષક તત્વોના શોષણમાં મદદ કરી શકે છે. જમ્યા પછી વધુ પાણી પીવાથી કેટલાક લોકોમાં પેટનું ફૂલવાની ફરિયાદ વધી શકે છે. તેથી, નિષ્ણાતો જમ્યા પછી તરત જ વધુ પાણી ન પીવાની સલાહ આપે છે, પરંતુ જો જરૂરી હોય તો, તમે 1 થી 2 ગ્લાસ પાણી લઈ શકો છો. જો કોઈને એસિડિટી, અપચો અથવા પાચનની સમસ્યા હોય, તો તેણે તેની સ્થિતિ અનુસાર ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
માન્યતા 2: શું પપૈયું ખાવાથી પાચનતંત્ર સુધરે છે?
Fact Check : પપૈયું પાચન માટે ચોક્કસ ફાયદાકારક છે, પરંતુ પપૈયું ખાવાથી પાચનતંત્ર સંપૂર્ણપણે સ્વસ્થ્ય થાય છે, તે સાચું નથી. પપૈયામાં પેપેન (Papain) નામનું એન્ઝાઇમ હોય છે, જે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. આ કારણસર, તે અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપી શકે છે. તેમાં ફાઇબરની સારી માત્રા પણ હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારવામાં અને આંતરડાની હલચલને સરળ બનાવવામાં મદદ કરે છે. એન્ટિબાયોટિક્સ આંતરડામાં સારા બેક્ટેરિયાને પણ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, પપૈયું તેના ઉત્સેચકો અને ફાઇબરને કારણે, આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને રિકરવીમાં મદદરૂપ થઈ શકે છે. જો કોઈને ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (આઇબીએસ), અલ્સર અથવા અન્ય ગંભીર પાચન સમસ્યાઓ હોય, તો માત્ર પપૈયું ખાવાથી સમસ્યા સંપૂર્ણપણે મટશે નહીં. આવી પરિસ્થિતિઓમાં, સંતુલિત આહાર, પૂરતું પાણી, નિયમિત કસરત અને જરૂર પડે ત્યારે દવા આવશ્યક છે.
માન્યતા 3 : શું માત્ર 32 વખત ચાવવાથી જ ખોરાક સારી રીતે પચે છે?
Fact Check : ખોરાકને સારી રીતે ચાવવું પાચન માટે ફાયદાકારક છે, પરંતુ દરેક કોળિયાને બરાબર 32 વખત ચાવવું જરૂરી છે તે ધારણા ખોટી છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, માણસ ગાય અને ભેંસોની જેમ વાગોળી શકતા નથી. પાચનની પ્રક્રિયા મોઢામાંથી શરૂ થાય છે, જ્યાં લાળમાં હાજર ઉત્સેચકો ખોરાકને તોડવાનું શરૂ કરે છે, પરંતુ વાસ્તવિક પાચન પેટ અને આંતરડામાં થાય છે. તે મહત્વનું છે કે તમે આરામથી, ઉતાવળ કર્યા વિના અને સારી રીતે ચાવીને ખાઓ. નિર્ધારિત સંખ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવા કરતાં Mindful Eating આહાર વધુ મહત્વપૂર્ણ છે.
માન્યતા 4 : કિડનીની પથરી બીયર પીવાથી ઓગળી જાય છે?
Fact Check : બિયર પીવાથી કિડનીની પથરી ઓગળી જાય છે તેવી ધારણા સંપૂર્ણપણે ખોટી છે. નિષ્ણાંતોના મતે બિયરમાં આલ્કોહોલ હોય છે, જે શરીરમાં ડિહાઇડ્રેશન વધારી શકે છે. ડિહાઇડ્રેશન કિડનીની પથરીની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે. તેમ છતાં બીયર સાધારણ મૂત્રવર્ધક અસર બતાવી શકે છે, તે તબીબી સારવાર માટે સલામત વિકલ્પ નથી. કિડનીની પથરીમાં સૌથી અગત્યની બાબત એ છે કે પૂરતું સાદું પાણી પીવું, ડોક્ટરની સલાહ લેવી અને જો જરૂરી હોય તો દવા અથવા સારવાર મેળવવી. તેથી આવા ખોટા દાવાઓ પર ભરોસો ન કરો.
ડિસ્ક્લેમર : આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. તેને વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારના વિકલ્પ તરીકે લેવી જોઈએ નહીં. જો કોઇ સ્વાસ્થ્ય સમસ્યા કે સવાલ હોય તો હેલ્થ એક્સપર્ટ્સ કે ડોક્ટરનો સંપર્ક કરવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us