After Dinner Walk Benefits : ભાગદોડભર્યા જીવનમાં આજે દરેક વ્યક્તિ ફિટ અને સ્વસ્થ રહેવા માંગે છે, પરંતુ સમયના અભાવે લોકો ઘણીવાર કસરતને નજર અંદાજ કરે છે. આવી સ્થિતિમાં જો તમને પણ લાગે છે કે ફિટ રહેવા માટે કલાકો સુધી જીમમાં પરસેવો પાડવો જરૂરી છે, તો આ સંપૂર્ણ રીતે સત્ય નથી. આહારની સાથે સાથે લાઇફસ્ટાઇલમાં થોડા-નાના ફેરફારો કરીને શરીરને સ્વસ્થ રાખી શકાય છે.
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ જનરલ મેડિસિનમાં પ્રકાશિત એક સ્ટડી પ્રમાણે દરરોજ માત્ર 15 થી 20 મિનિટ ચાલવું પણ સ્વાસ્થ્ય માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે. ખાસ કરીને ખાધા પછી કરેલી હળવી વોક શરીર અને મન બંને માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
જમ્યા પછી ચાલવું શા માટે મહત્વપૂર્ણ છે?
લોકો ઘણીવાર જમ્યા પછી બેસી જાય છે અથવા સૂઈ જાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી પાચનને લગતી ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જમ્યા પછી તરત જ ચાલવું યોગ્ય નથી, પરંતુ 10 થી 15 મિનિટના વિરામ પછી હળવી વોક પાચનતંત્રને સક્રિય કરે છે. તેનાથી શરીર ખોરાકને યોગ્ય રીતે પચાવે છે અને ઘણા રોગોનું જોખમ ઘટાડે છે.
બ્લડ સુગર લેવલ રહે છે કંટ્રોલ
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખાધા પછી બ્લડ સુગરનું લેવલ અચાનક વધી જાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં 15 મિનિટ ચાલવાથી ગ્લુકોઝને એનર્જીમાં બદલવામાં મદદ કરે છે. આ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. આ જ કારણ છે કે ડોકટરો પણ જમ્યા પછી હળવી વોકની ભલામણ કરે છે.
મગજ તેજ બનશે અને મૂડ વધુ સારો થશે
જમ્યા પછી ચાલવાથી શરીરમાં ઓક્સિજનનું પરિભ્રમણ વધે છે, જેની સીધી અસર મગજ પર પડે છે. આ મગજની કામગીરીમાં સુધારો કરે છે, તણાવ અને એંન્ઝાઇટી ઘટાડે છે અને મૂડ પણ સારો રાખે છે. નિયમિત વોક કરનારની યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો જોવા મળ્યો છે.
હૃદયની તંદુરસ્તી માટે ફાયદાકારક
દરરોજ જમ્યા પછી ચાલવાથી રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે. આ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે. આ આદત હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
પાચન મજબૂત રહેશે
જો તમે ગેસ, એસિડિટી અથવા કબજિયાતની ફરિયાદ કરો છો, તો જમ્યા પછી ચાલવું તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. હળવી વોકથી ગેસ્ટ્રિક રસનો સ્ત્રાવ વધે છે, જે ખોરાકને ઝડપથી અને યોગ્ય રીતે પચવા દે છે. તેનાથી બ્લોટિંગ અને અપચાની સમસ્યા દૂર થાય છે.
આ પણ વાંચો – શિયાળામાં જાયફળનું સેવન સ્વાસ્થ્ય પર કરે છે ચમત્કાર, આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યા ફાયદા
વજન ઘટાડવામાં પણ અસરકારક
જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેમના માટે જમ્યા પછી 15 મિનિટ ચાલવું ખૂબ ફાયદાકારક છે. આ કેલરી બર્ન કરે છે, મેટાબોલિઝમને વેગ આપે છે અને શરીરમાં ચરબી એકઠી થતા અટકાવે છે. આ રીતે નિયમિતપણે કરવાથી વજન નિયંત્રણમાં રહે છે.
વોક કરવાની યોગ્ય રીત
- ભોજન કર્યા બાદ 10 મિનિટ પછી જ ચાલવાનું શરૂ કરો
- ખૂબ ઝડપી નહીં, પરંતુ ધીમી અને આરામદાયક ગતિએ ચાલો
- 15 થી 20 મિનિટની વોક પુરતી છે
- ઝુકીને ચાલવાથી બચો
- જો બહાર શક્ય ન હોય તો ઘર કે ઓફિસની અંદર હળવી વોક કરો





