/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/frozen-food-.jpg)
Frozen food side effects: ફ્રોઝન ફૂડ્સ ખાવાના ગેરફાયદા (તસવીર - સોશિયલ મીડિયા)
Frozen Food Side Effects: ભાગદોડભર્યા જીવનમાં દરેક વ્યક્તિ સમયના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. વ્યસ્ત દિનચર્યામાં લોકો પાસે પોતાના માટે સમય પણ હોતો નથી. ઓછા સમયમાં વધુ કામ કરાવવાની ઈચ્છાએ આપણી જીવનશૈલીને તો બદલી જ નાખી છે, સાથે સાથે આપણી ખાણીપીણીની આદતો પણ સંપૂર્ણપણે બદલી નાખી છે. જેથી વધુને વધુ લોકો પેકેજ, પ્રોસેસ્ડ અને ફ્રોઝન ફૂડ્સ જેવા રેડી-ટુ-ઇટ વિકલ્પો તરફ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને એવા લોકો માટે જેમની દિનચર્યા ખૂબ વ્યસ્ત હોય છે.
ફ્રોઝન ખોરાક રાહતથી ઓછો નથી. તેને ફ્રીઝરમાંથી બહાર કાઢીને ડીપ ફ્રાય અથવા એર ફ્રાયરમાં ગરમ કરો અને થોડી મિનિટોમાં ખોરાક તૈયાર થઈ જાય છે, જેના કારણે આ ભોજન ઘણું લોકપ્રિય બન્યું છે. ફ્રોઝન વટાણા, કોબીજ, બ્રોકોલીથી લઈને પકોડા અને રેડી-ટુ-ઇટ પનીર કરી સુધી, મિનિટોમાં બધું તૈયાર થઈ જાય છે. જોકે તે સમયની બચત કરે છે, પરંતુ આ આદત સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ હાનિકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે ફ્રોઝન ફુડ્સનું વધુ પડતું અને નિયમિત સેવન ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ અનુ અગ્રવાલ પાસેથી જાણીએ કે ફ્રોઝન ફૂડ શું છે અને તેને ખાવાના ગેરફાયદા શું છે.
ફ્રોઝન ફૂડ્સ શું છે?
દરેક ખાદ્ય પદાર્થની નિશ્ચિત શેલ્ફ લાઇફ હોય છે અને કેટલાક ફળો અને શાકભાજી હોય છે જે આખું વર્ષ સરળતાથી ઉપલબ્ધ નથી. આ કિસ્સામાં તેમને લાંબા સમય સુધી તાજા રાખવા માટે ઠંડા તાપમાને સંગ્રહિત કરવામાં આવે છે. ફ્રીઝ કરવાથી આ ખોરાકની શેલ્ફ લાઇફમાં વધારો કરે છે અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, વટાણા, ગાજર, બ્રોકોલી, પાલક અને સ્ટ્રોબેરી જેવી વસ્તુઓ ફ્રોઝન રાખવામાં આવે છે જેથી તે બગડે નહીં અને જરૂર પડે ત્યારે સરળતાથી ઉપયોગ કરી શકાય.
શું ફ્રોઝન ફુડ્સ ખાવા યોગ્ય હોય છે?
ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ અનુ અગ્રવાલના જણાવ્યા અનુસાર ફ્રોઝન ફૂડ પુરી રીતે ખરાબ થતા નથી અને ખાઈ શકાય છે, પરંતુ તેની એક શરત છે. જો તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ અથવા કેમિકલ્સ ઉમેરવામાં આવ્યા ન હોય તો, ત્યારે તે સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. કેટલાક ખોરાકને લાંબા સમય સુધી ફ્રીઝરમાં રાખવાથી તેમના પોષક તત્વોમાં ઘટાડો થઈ શકે છે. તે પુરી રીતે એ વાત પર નિર્ભર છે કરે છે કે ફુડ્સને કેવી રીત ફ્રીઝ કરવામાં આવ્યા છે તેને કેટલો સમય સ્ટોર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - કેળાની છાલમાંથી બનાવો નેચરલ ફેસ પેક, સ્કિન થશે ગ્લોઇંગ, હેલ્ધી અને સોફ્ટ
ફ્રીઝ કરવાની પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને જે પાણીમાં દ્રાવ્ય હોય છે તે વિટામિન્સ, જેમ કે વિટામિન સી અને વિટામિન બી આંશિક રીતે નષ્ટ થઇ શકે છે. આવી સ્થિતિમાં ફ્રોઝન ફૂડ્સની પસંદગી કરતી વખતે તેની પ્રોસેસિંગ અને સ્ટોરેજને લગતી માહિતી પર ધ્યાન આપવું જરૂરી છે, જેથી આરોગ્યનું નુકસાન ટાળી શકાય.
ફ્રોઝન ફૂડ ખાવાના ગેરફાયદા
વધારે મીઠું અને ખાંડ
સ્વાદ જાળવવા અને ખોરાકને સાચવવા માટે ફ્રોઝન ફુડમાં મીઠું અને ખાંડ વધારે હોય છે. વધુ પડતું સોડિયમ બ્લડ પ્રેશર વધારી શકે છે, જ્યારે વધુ પડતી ખાંડ સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. લાંબા સમય સુધી આવા ખોરાક ખાવાથી હૃદયરોગનું જોખમ પણ વધે છે.
પોષક તત્વોની ઉણપ
ફ્રીઝિંગ અને પ્રોસેસિંગ દરમિયાન ઘણા આવશ્યક પોષક તત્વો નષ્ટ થઇ જાય છે. ખાસ કરીને વિટામિન-સી, વિટામિન-બી કોમ્પ્લેક્સ અને કેટલાક ખનિજોની માત્રામાં ઘણો ઘટાડો થાય છે. જેના કારણે શરીરને સંપૂર્ણ પોષણ મળતું નથી.
ચેપ અને ફૂડ પોઇઝનિંગનું જોખમ
જો ફ્રોઝન ફૂડને યોગ્ય તાપમાને સંગ્રહિત કરવામાં ન આવે અથવા એક્સપાયરી ડેટ પછી તેનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા વધી શકે છે. આ ફૂડ પોઇઝનિંગ, ઉલટી, ઝાડા અને પેટના ચેપનું જોખમ વધારે છે.
ફ્રોઝન ફૂડ ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?
ફ્રોઝન ફૂડ ખરીદતી વખતે પેકેટ પરની માહિતીને કાળજીપૂર્વક વાંચવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંતૃપ્ત ચરબી, મીઠું અને ખાંડની માત્રા જરુર તપાસો. ઓછી ચરબીવાળા અને ઓછા મીઠાના વિકલ્પો વધુ સારા છે. હંમેશાં એક્સપાયરી ડેટ તપાસો. એવા ફ્રોઝન ફૂડ્સ ટાળો જેમાં ઘણી બધી ચટણી અને મસાલા હોય છે, કારણ કે તેમાં ખાંડ અને સોડિયમ વધારે હોય છે.
ખાતા પહેલા યોગ્ય રીત અપનાવો
ફ્રોઝન શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા નવશેકા પાણીમાં ઉકાળો. રેડી-ટુ-ઇટ ખોરાકને સારી રીતે રાંધ્યા પછી જ ખાઓ. જો શક્ય હોય તો ફ્રોઝન ફૂડને રોજિંદા આહારનો ભાગ ન બનાવો અને તાજા શાકભાજીને પ્રાધાન્ય આપો.
નિષ્કર્ષ
ફ્રોઝન ફૂડનો ક્યારેક-ક્યારેક ઉપયોગ કરવો ઠીક છે, પરંતુ દરરોજ તેના પર નિર્ભર રહેવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. સંતુલિત અને તાજો ખોરાક એ સારા સ્વાસ્થ્યની સાચી ચાવી છે.
(ડિસ્ક્લેમર : આ સ્ટોરી સામાન્ય માહિતીના હેતુઓ માટે તૈયાર કરવામાં આવી છે. કોઈપણ પ્રકારના સ્વાસ્થ્ય સંબંધી ફેરફાર અથવા ડાયેટમાં ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટર અથવા યોગ્ય આરોગ્ય નિષ્ણાતની સલાહ જરુર લો.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us