Green Tea for Weight Loss : સ્લિમ અને આકર્ષક દેખાવવાની તો દરેકની ઇચ્છા હોય છે, પરંતુ આજના ભાગદોડ ભર્યા જીવનમાં લાઇફસ્ટાઇલ સાવ બદલાઇ ગઇ છે. જેના કારણે શરીરમાં વધારાની ચરબી જમા થઇ રહી છે. શરીર પર વધેલી ચરબી માત્ર સુંદરતાને જ ખરાબ નથી કરતી, પરંતુ તેનાથી સ્વાસ્થ્યને પણ મોટું નુકસાન થાય છે. લોકો ફિટ દેખાવા માટે જિમથી લઈને ડાયેટ સુધીના ઘણા ઉપાયો અજમાવતા હોય છે, પરંતુ તેમ છતાં કોઈ અસરકારક અને કાયમી લાભ મળતો નથી.
ઘણા લોકો વજન ઘટાડવા માટે રોજ ગ્રીન ટી પીતા હોય છે, તેમને તેનો સ્વાદ પણ બોરિંગ લાગે છે. જોકે, ગ્રીન ટી વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક અને અસરકારક હોઈ શકે છે, પરંતુ તમે દરરોજ એક જ વસ્તુ પીવાથી કંટાળી જાઓ છો. ડાયટિશિયન નેહા દુબેએ જણાવ્યું હતું કે ગ્રીન ટીમાં કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ ફાયદાકારક હોઈ શકે છે. તેનાથી સ્વાદ તો બદલાશે જ સાથે સાથે વજન ઘટાડવાની સાથે સ્વાસ્થ્યને પણ અનેક ફાયદા થશે.
લીંબુ
ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે, પરંતુ તેમાં લીંબુના રસના થોડા ટીપાં ઉમેરવાથી તેની અસર બમણી થઈ જાય છે. લીંબુમાં રહેલું વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, મેટાબોલિઝમને વેગ આપે છે અને ચરબીને બાળવામાં મદદ કરે છે. નિયમિત રુપે સવારે એક કપ લીંબુ વાળી ગ્રીન ટી પીવાથી પેટની ચરબી ઝડપથી ઓછી થઈ શકે છે. તે શરીરને ફ્રેશ કરવા અને પાચનમાં પણ મદદ કરે છે.
ફુદીનો
જેમને લીંબુનો ખાટો સ્વાદ પસંદ નથી, તેમના માટે ફુદીનાની ગ્રીન ટી એક ઉત્તમ વિકલ્પ છે. ફુદીનાના પાનનો સ્વાદ ઠંડો અને હળવો હોય છે, જે શરીરની ગરમી ઘટાડે છે અને મનને શાંત કરે છે. આ ચા માં બહુ ઓછી કેલરી હોય છે. ફુદીનાના પાનમાંથી બનેલી ગ્રીન ટી ઉનાળામાં ઠંડી અને શિયાળામાં ગરમ પી શકાય છે. બંને રીતે તે તાજગી આપે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે.
બરફ
ગ્રીન ટી સામાન્ય રીતે ગરમ-ગરમ પીવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોને તે ભારે લાગે છે. આવી સ્થિતિમાં જો તમે તેમાં બરફના ટુકડા ઉમેરો છો અને તેને ઠંડી કરો છો, તો તે એક અલગ ઉર્જા આપે છે. આઈસ્ડ ગ્રીન ટી પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે, ભૂખ કંટ્રોલમાં રહે છે અને કેલરી વધતી નથી. આ ડ્રિંક ગરમીમાં એક શાનદાર હેલ્થી ડ્રિંક છે. દરરોજ એક ગ્લાસ ઠંડી બરફવાળી ગ્રીન ટી પીવાથી શરીર હળવું લાગે છે.
આ પણ વાંચો – સિગરેટની લત છોડવા માટે અપનાવો આ આસાન રીત, સ્મોકિંગની આદત ઓછી કરવામાં મદદ મળશે
ગુલાબની પાંખડીઓ
આ પાંદડા ચા ની સુગંધ અને સ્વાદ બંનેમાં વધારો કરે છે. ગુલાબની પાંખડીઓમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે, જે ત્વચાને સુધારે છે અને શરીરને અંદરથી સાફ કરે છે. આ ચા મનને પ્રસન્ન કરે છે, થાક દૂર કરે છે અને તાજગી જાળવી રાખે છે.
તજ
ગ્રીન ટી માં તજ ઉમેરવું સ્વાસ્થ્ય માટે વરદાન છે. તજના એન્ટી ઇંફ્લેમેટરી ગુણ શરીરમાં બળતરા ઘટાડે છે અને બ્લડ સુગરનું સ્તર સંતુલિત રાખે છે. આ ભૂખને કંટ્રોલમાં રાખે છે અને ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)