Push Ups Exercise Benefits For Heart: કસરત કરવાથી શરીરની ચરબી તો ઓછી થાય જ છે સાથે સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. દરરોજ 30 થી 40 મિનિટ વર્કઆઉટ બોડી ફેટ કન્ટ્રોલ કરે છે, તણાવ દૂર કરે છે અને હૃદયની તંદુરસ્તી સુધારે છે. અમે એમ નથી કહી રહ્યા કે રોજ અમુક વર્કઆઉટ કરવાથી હૃદયરોગથી બચી શકાય છે, પરંતુ એક રિસર્ચમાં ખુલાસો થયો છે.
રિસર્ચ મુજબ જે પુરૂષો રોજ 40 પુશ અપ કરે છે તેમને હૃદય રોગનો ખતરો ઓછો રહે છે. 2019 ના રિસર્ચના તારણમાં તે સાબિત થયું છે કે દરરોજ પુશ અપ્સ કરવાની કાર્ડિયોવેસ્ક્યુલર આરોગ્ય પર સારી અસર જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી યુવાનોમાં હૃદયરોગના કેસ ઝડપથી વધી રહ્યા છે.
લીલાવતી હોસ્પિટલ મુંબઈના કાર્ડિયોલોજિસ્ટ ડો.વિદ્યા સુરતિકલે જણાવ્યું હતું કે, કસરત એ હૃદયની દવા છે. પુશ-અપ્સ કરવાથી શરીર સક્રિય રહે છે અને સહનશિલતા પણ સુધરે છે. 40 પુશ અપ્સ કરવાથી માત્ર કાર્ડિયાક હેલ્થ સુધરવાની સાથે સાતે ફેટ પણ ઝડપથી બર્ન થાય છે. વજન ઓછું થવાથી હૃદયરોગનું જોખમ પણ ઘટે છે. જો કે આ દાવો થોડો ચોંકાવનારો લાગે છે કે સળંગ 40 પુશ અપ કરનારા પુરુષોને હૃદયરોગનું જોખમ ઓછું હોય છે, પરંતુ નિષ્ણાતો માને છે કે હૃદયરોગથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.
દરરોજ 40 પુશ અપ્સ કેવી રીતે કરવા
દરરોજ 40 પુશ-અપ્સ કરવા માટે ઘણી પ્રેક્ટિસની જરૂર પડે છે. પુશ-અપ્સ કરતી વખતે યોગ્ય ફોર્મ જાળવવું પડે છે, નહીં તો ઈજા અને સ્નાયુઓમાં ખેંચાણની શક્યતા વધી શકે છે. જો ખોટી રીતે કરવામાં આવે તો આ કસરતો ખભા અને કોણીની આસપાસના સાંધા અને સ્નાયુઓને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. પુશ-અપ્સ કરનાર વ્યક્તિએ પોતાની ક્ષમતા જાણી આ કસરત કરવી જોઈએ.
જાણકારોના મતે જો તમે શરૂઆતના તબક્કામાં પુશ-અપ્સ કરી રહ્યા છો તો તેને 3-4 સેટમાં વહેંચી દો. આનો અર્થ એ છે કે, 1 સેટમાં લગભગ 14-15 પુશ-અપ્સ હોવા જોઈએ. જો કોઈ 40 પુશ-અપ્સ સાથે 1 સેટ કરી રહ્યું છે, તો તેનો અર્થ એ છે કે તે વધુ પડતું કામ કરી રહ્યો છે અને પોતાને તણાવમાં ધકેલી રહ્યો છે.
હાર્વર્ડ હેલ્થના એક અભ્યાસે દર્શાવ્યું હતું કે વ્યાવસાયિક રીતે સક્રિય યુવાન પુરુષો (સરેરાશ ઉંમર 40 વર્ષ), જેઓ ઓછામાં ઓછા 40 પુશ-અપ્સ કરવામાં સક્ષમ હતા, તેમને હૃદયરોગ થવાની શક્યતા એવા લોકોની તુલનામાં 96 ટકા ઓછી હતી જે તેમનાથી ઓછા પુશ-અપ્સ કરી શકતા હતા. કોરોનરી ધમની રોગ, હૃદયની નિષ્ફળતા અને કાર્ડિયાક અરેસ્ટને કારણે થતા મૃત્યુ દ્વારા કાર્ડિયોવેસ્ક્યુલર આરોગ્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પુશ-અપ્સ કસરત મુખ્યત્વે છાતી, ખભા અને હાથના સ્નાયુઓને લક્ષ્યમાં રાખે છે, જેનો હૃદયના આરોગ્ય સાથે સીધો સંબંધ ન હોઈ શકે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પુશ-અપ્સ હૃદય માટે ફાયદાકારક છે કે નહીં, અથવા તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કે કેમ તે અંગે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.
આ પણ વાંચો | દાંતના દુખાવામાં ઝડપથી રાહત આપશે આ 3 ઘરગથ્થુ ઉપાય
હૃદયની તંદુરસ્તી કેવી રીતે સુધારવી
જો તમે હાર્ટને હેલ્ધી રાખવા માંગતા હોવ તો ડાયટમાં જંક ફૂડ, ડબ્બાબંધ ફૂડ અને પ્રોસેસ ફૂડનું સેવન કરવાનું ટાળો. હૃદયને સ્વસ્થ રાખવા માટે કોલા, સોડા, ડેઝર્ટ અને બેકરીની વસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે. પૂરતું પાણી પીવો. યોગ અને ધ્યાન તણાવને દૂર રાખશે.