દેશમાં હીટવેવથી મૃત્યુ : હીટ સ્ટ્રોક એટલ શું? તેના લક્ષણો, સારવાર અને બચવાના ઉપાયો

Heat stroke safety tips : હીટ સ્ટ્રોકથી બચવા માટે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું કે બહાર નીકળવાનું ખાસ કરીને બપોર થી લઇ 3 વાગ્યાની વચ્ચે ટાળવું જોઇએ. આ સમય દરમિયાન તમારે સખત શારીરિક પ્રવૃત્તિ ટાળવી જોઈએ.

Written by Ajay Saroya
June 21, 2023 20:39 IST
દેશમાં હીટવેવથી મૃત્યુ :  હીટ સ્ટ્રોક એટલ શું? તેના લક્ષણો, સારવાર અને બચવાના ઉપાયો
અત્યંત તડકાંમાં બહાર નીકળ્યા પછી આપણે બધા થાક અને અશક્તિ અનુભવીએ છીએ. (Representional/File)

How stay safe by heatwaves : દેશના કેટલાક વિસ્તારોમાં હીટવેવથી લોકોના મોત થવાની ઘટનાઓ સામે આવી છે. હીટવેવના મામલે દેશના કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે ભારતીય હવામાન વિભાગ (IMD), નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (MDRF) અને અને આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. માંડવિયાએ જણાવ્યું હતું કે. સરકારોને માર્ગદર્શન આપવા માટે કેન્દ્રીય ટીમોને અસરગ્રસ્ત રાજ્યોમાં મોકલવામાં આવશે.

તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને હીટવેવથી થતા મૃત્યુને રોકવા માટે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની યોજનાઓ તૈયાર કરવા પણ જણાવ્યું હતું.

ગરમી શરીરને કેવી રીતે અસર કરે છે?

અતિશય ગરમી અને તડકાવાળા દિવસે બહાર નીકળ્યા પછી આપણે બહુ જ થાક અને સુસ્તતા અનુભવીએ છીએ. તેને ગરમીના થાક તરીકે ઓળખવામાં આવે છે, આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન ઓછું રાખવા માટે શરીરમાંથી અત્યંત વધારે પરસેવો થાય છે.

નવી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિનના સિનિયર એડવાઇઝર ડૉ સુરનજીત ચેટર્જીએ જણાવ્યું કે, “આ જ કારણસર અમે લોકોને ગરમીના દિવસોમાં સારી રીતે હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપીએ છીએ. જો કે, ગરમીના થાકથી લોકોનું મૃત્યુ થવાની શક્યતા રહેતી નથી. જ્યારે તેઓ ઠંડા વિસ્તારોમાં પાછા ફરે છે અને પ્રવાહી લે છે ત્યારે તેઓ સ્વસ્થ થઈ જાય છે. જે લોકોને હીટ સ્ટ્રોક લાગે છે તેમણે ચિંતા કરવાની જરૂર હોય છે,”

heat wave heat stroke
હીટ સ્ટોક (Representional/File)

હીટ સ્ટ્રોક ત્યારે થાય છે જ્યારે આસપાસનું તાપમાન એટલું વધારે હોય છે કે શરીર અંદરના તાપમાનને નિયંત્રિત કરવા માટે પરસેવાનો સ્ત્રાવ કરી શકતું નથી, જો તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ (અથવા 104 ડિગ્રી ફે) સુધી વધી જાય. આવા કિસ્સાઓમાં, શરીરમાં સોડિયમ અને પોટેશિયમ જેવા ક્ષારનું ગંભીર અસંતુલન સર્જાય છે. ક્ષારના અસંતુલન સાથે અતિશિય ઉંચુ તાપમાન અંગોની કામગીરીમાં વિક્ષેપ પાડે છે, જે બીમારી તરફ દોરી જાય છે.

હીટ સ્ટ્રોકથી શરીરનું શું નુકસાન થાય છે?

ડૉ ચેટરજી જણાવે છે કે, “હીટ સ્ટ્રોક વ્યક્તિના મગજને અસર કરે છે, આંખેથી ઝાંખુ ઝાંખુ દેખાય છે અને નિશક્ત બનાવે છે, ઉપરાંત કેટલાક ગંભીર કિસ્સાઓમાં વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે. તે કિડની અને લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે. આવા લક્ષણો વ્યક્તિને મોતના મુખમાં ધકેલી દે છે.” તેમણે ઉમેર્યું હતું કે આવા ગંભીર કિસ્સાઓમાં શરીરના મુખ્ય તાપમાનને ઝડપથી ઘટાડવાનો પ્રયાસ કરવો જોઇએ છે. તેની માટે વ્યક્તિના શરીર પર ઠંડુ પાણી રેડો, તેને ઠંડું પાણી, ઠંડા પીણા પીવડાવીને અને સોલ્ટ લેવલને સંતુલિત કરવા માટે ઇલેક્ટ્રોલાઇટ્સ આપી શકાય છે.

તમારે ક્યારે હોસ્પિટલમાં જવું જોઈએ?

ડૉ. ચેટર્જીએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિમાં નીચે જણાવેલા લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા જોઈએ: જેમકે શરીરનું તાપમાન અતિશય વધી જવું પરંતુ પરસેવો ન થવો, શરીરમાં નબળાઇ અનુભવવી, ઉલ્ટી થવી, પેશાબ ન થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી.

The soaring temperatures in summers may put you at risk of heat exhaustion and heatstrokes.
ઉનાળામાં વધતું તાપમાન તમને ગરમીના થાક અને હીટસ્ટ્રોકના જોખમમાં મૂકી શકે છે.

વૃદ્ધ અને તરુણ વ્યક્તિઓ તેમજ જેમને કોમોર્બિડિટીઝ છે તેમણે ખાસ કાળજી લેવી જોઈએ, કારણ કે તેઓ ગરમી પ્રત્યે અત્યંત વધારે સંવેદનશીલ હોય છે. જો કે, આનો અર્થ બિલકુલ એવો નથી કે યુવાન લોકોને હીટ સ્ટ્રોક થઇ શકતો નહી, હીટ સ્ટ્રોક કોઈપણ ઉંમરે થઈ શકે છે.” એવું ડૉ. ચેટરજી જણાવે છે.

હીટ સ્ટ્રોકથી બચવા શું કરવું?

હીટ સ્ટ્રોકથી બચવા માટે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું કે બહાર નીકળવાનું ખાસ કરીને બપોર થી લઇ 3 વાગ્યાની વચ્ચે ટાળવું જોઇએ. આ સમય દરમિયાન તમારે સખત શારીરિક પ્રવૃત્તિ ટાળવી જોઈએ.

જો તમારે બહાર નીકળવું જ પડે એવું હોય તો, આવી પરિસ્થિતિમાં સમયાંતર પાણી પીવાનું રાખો ભલે તરસ ન લાગી હોય તો પણ. અન્ય હાઇડ્રેટિંગ લિક્વિડ જેમ કે લસ્સી, લીંબુ પાણી, છાશ અથવા ઓઆરએસ પીવો જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું સ્તર જાળવી રાખે છે. આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સનું સેવન ન કરો કારણ કે તે તમને વધુ ડિહાઇડ્રેટ કરી શકે છે. આછા, હળવા રંગના, ઢીલા અને નરમ સુતરાઉ કપડાં પહેરો તેમજ આંખની માટે ગોગલ્સ અને બુટ પહેરવા તેમજ તડકાથી બચવા છત્રીનો ઉપયોગ કરવો.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એક એડવાઈઝરી કહે છે કે લોકોએ પડદા અથવા શેડ્સનો ઉપયોગ કરીને તેમના ઘરોને ઠંડુ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ અને ભીના કપડાનો ઉપયોગ કરીને અથવા વારંવાર ઠંડા સ્નાન કરીને શરીરનું તાપમાન ઓછું રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

summer-heat
ઉનાળામાં, ઘણી જગ્યાએ તાપમાન 40 ડિગ્રીથી ઉપર વધી જાય છે. આવી સ્થિતિમાં ગરમીના તરંગો તમારા શરીરને ભરખી જાય છે. ગરમ ઉનાળામાં ઘરમાં રહેવું શ્રેષ્ઠ છે. પરંતુ આવા ગરમ હવામાનમાં બહાર જવું ખૂબ જ પડકારજનક છે.

હીટ એક્શન પ્લાન કે જે હીટ વેવ્સની આગાહી કરે છે અને સ્થાનિક સરકારો દ્વારા જાગૃતિ પહેલથી ભયંકર ગરમીને કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો લાવી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ભૂતપૂર્વ ડિરેક્ટર અને જેમની ટીમે અમદાવાદ માટે દેશની સૌપ્રથમ હીટ એક્શન પ્લાન વિકસાવ્યા હતા ડૉ. દિલીપ માવલંકરે જણાવ્યું હતું કે, હીટ એક્શન પ્લાનના પ્રતાપે શહેરમાં મૃત્યુદરમાં 30% થી 40% ઘટાડો થયો છે.

ભેજ, રાત્રિના સમયનું તાપમાન શા માટે મહત્વપૂર્ણ છે?

ડૉ. માવલંકરે સમજાવ્યું કે જ્યારે ભેજનું સ્તર ઊંચું હોય છે, ત્યારે અંદાજીત તાપમાન આસપાસના તાપમાનના વાસ્તવિક રીડિંગ કરતાં વધારે હોય છે. ઉંચા ભેજનો અર્થ એ પણ છે કે શરીરને ઠંડુ રાખવા માટે પરસેવો અસરકારક રીતે બાષ્પીભવન થતો નથી.

ડૉ. માવલંકરે કહ્યું કે, જો રાત્રિનું તાપમાન પણ ઊંચું રહે તો શરીરને આરામ કરવાનો સમય મળતો નથી. ધારો કે 44 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે તમે બહાર નીકળો છો, જો તમે થોડા કલાકોમાં ઠંડી જગ્યાએ પાછા આવો છો, તો તમે રાહત અનુભવો છો. જ્યારે રાત્રિનું તાપમાન ઓછું હોય ત્યારે શરીરને આ રાહત મળે છે. જો થોડા દિવસો સુધી રાત્રે પણ તાપમાન ઓછું ન થાય, તો શરીર રિકવર થઇ શકતું નથી,”

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ