/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Pav-Bhaji-Recipe-in-Gujarati.jpg)
Pav Bhaji Recipe: હોટલ સ્ટાઇલ પાવ ભાજી ઘરે બનાવવાની રીત (ફોટો ક્રેડિટ કેનવા)
Hotel Style Pav Bhaji Recipe: હોટલ જેવી પાવ ભાજી ઘરે બનાવવાની રીત શીખો. અહીં આપેલી ચોક્કસ પ્રકારની ટિપ્સ અને ટ્રીક્સ અજમાવી જુઓ! તમારી પાવ ભાજી ટેસ્ટી અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે. પાવ ભાજી રેસીપી સાથે અહીં પાવ ભાજી મસાલા રેસીપી પણ આપી છે જે અજમાવી તમે ઘરે હોટલ જેવો સ્વાદ માણી શકશો.
પાવ ભાજી બનાવવી આમ તો સરળ છે. પરંતુ હોટલ જેવો કલર અને ટેસ્ટ લાવવો હોય તો એ માટેની કેટલીક ટ્રિક્સ ધ્યાનમાં રાખવી પડે છે. હોટલ જેવી પાવ ભાજી ઘરે બનાવવી હોય તો આ ખાસ ટિપ્સ અજમાવી જુઓ. હોટલ જેવો કલર અને ટેસ્ટ લાવવો હોય તો ભાજી બાફતી વખતે એમાં બીટનો એક ટુકડો ઉમેરો. ફ્રેશ ટામેટા પ્યૂરી ઉપયોગ કરો તેમજ મસાલો બનાવતી વખતે કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી આમચૂર પાઉડર ઉમેરવાનું ભૂલશો નહીં.
હોટલ સ્ટાઇલ પાવ ભાજી બનાવવા માટે ત્રણ સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં ભાજીને બાફી મેસ કરવી. બીજા સ્ટેપમાં મેસ કરેલ ભાજીને તડકો આપવો અને ત્રીજા સ્ટેપમાં ભાજી અને માખણ સાથે પાવ શેકી ગરમાગરમ ભાજી સાથે સર્વ કરવી. ચાલો, હોટલ સ્ટાઇલ પાવ ભાજી ઘરે બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ જાણીએ.
ભાજી માટે સામગ્રી
- 3 મિડીયમ બટાકા
- 1 કપ જેટલું ફુલાવર
- અડધો કપ શિમલા મિર્ચ
- અડધો કપ ગાજર સમારેલા
- અડધો કપ વટાણા
- અડધો કપ કોથમીર
- અડધા લીંબુનો રસ
હોટલ સ્ટાઇલ પાવ ભાજી બનાવવા માટે તડકો મહત્વનો છે. તડકો આપતી વખતે ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી બરોબર સાંતળવી જરુરી છે. સાથોસાથ ફ્રેશ ટામેટા પ્યૂરી ઉમેર્યા પછી એને પણ બરોબર હલાવી ટામેટાની કચાશ દૂર કરવી ખાસ જરુરી છે. ટામેટા પ્યૂરી ઉમેર્યા બાદ 4થી5 મિનિટ સુધી એને હલાવતા રહો. આ ટિપ્સ ખાસ છે.
તડકા માટે સામગ્રી
- 2 ટેબલસ્પૂન માખણ
- 1 ટેબલસ્પૂન તેલ
- 1 મધ્યમ કદની ડુંગળી (ઝીણી સમારેલી)
- 2 ટામેટાની પ્યુરી
- 1 ટેબલસ્પૂન આદુ લસણ પેસ્ટ
- 1 ટેબલસ્પૂન પાવ ભાજી મસાલો
- 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર
- અડધી ચમચી હળદર
- અડધી ચમચી ધાણા જીરુ પાઉડર
- મીઠું સ્વાદ અનુસાર
સર્વિંગ માટે સામગ્રી અને ટિપ્સ
ફ્રેશ પાવ, 1 ચમચી માખણ, અડધી ડુંગળી સમારેલી કે સ્લાઇસ અને અડધો કપ કોથમીર જરુરી છે. સર્વ કરવા માટે ગરમાગરમ ભાજીને એક પ્લેટમાં રાખો. ઉપરથી થોડું માખણ ઉમેરી સમારેલી ડુંગળી અને કોથમીર મુકો. બાજુમાં કાપેલા લીબુંનો નાનો ટુકડો મુકી પાવ સાથે સર્વ કરો.
ભાજી બનાવવાની રીત
પ્રેશર કૂકરમાં બટાકા, ફુલાવર, વટાણા, ગાજર અને શિમલા મિર્ચને 2-3 સીટી સુધી બાફી લો. બાફેલી આ ભાજીને કૂકરમાંથી બહાર કાઢી મેશરથી મેશ કરી લો.
એક પેનમાં માખણ અને તેલ ઉમેરી ગરમ કરો. હવે તેમાં આદુ લસણ પેસ્ટ ઉમેરી શેકી લો. ત્યાર બાદ તેમાં સમારેલી ઝીણી ડુંગળી ઉમેરો અને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
ડુંગળી બ્રાઉન થાય એટલે એમાં ટામેટાની પ્યુરી ઉમેરી 2થી3 મિનિટ સુધી બરોબર સાંતળો. હવે તેમાં પાવ ભાજી મસાલો, મીઠું, કાશ્મીરી લાલ મરચું, હળદર અને ધાણા જીરુ પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ થવા દો.
તૈયાર થયેલા આ તડકામાં મેસ કરેલી ભાજી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. અડધા કપ જેટલું પાણી ઉમેરી આ મિશ્રણને 5થી7 મિનિટ સુધી હલાવતા રહો અને પકવા દો.
ભાજી તૈયાર થઇ જાય એટલે એમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરો. ગેસ બંધ કરી ભાજીને નીચે ઉતારી લો. તવા પર થોડુંક માખણ મૂકી એમાં થોડી ભાજી ઉમેરી પાવને બંને બાજુ શેકી લો.
હોટલ સ્ટાઇલ પાવ ભાજી સર્વ કરવા માટે હવે તૈયાર છે. પાવ ભાજી ગરમાગરમ સર્વ કરો. ભાજી ઉપર થોડું માખણ, સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરી લીબુંના નાના ટુકડા સાથે સર્વ કરો.
પાવ ભાજી ચટપટો મસાલો ઘરે કેવી રીતે બનાવવો?
મસાલા માટે સામગ્રી
- 2 ટેબલસ્પૂન આખા ધાણા
- 2 ટેબલસ્પૂન લાલ કાશ્મીરી મરચું
- 1 ટેબલસ્પૂન જીરુ
- 1 ટેબલસ્પૂન કાળા મરી
- 1 ટેબલસ્પૂન લવિંગ
- 3 નંગ મોટી એલચી
- 1 ઇંચ તજ ટુકડો
- 1 ટેબલસ્પૂન આમચૂર પાઉડર
- અડધી ચમચી વરિયાળી
- અડધી ચમચી હિંગ
- 1 ટેબલસ્પૂન દળેલી સાકર (સ્વાદ માટે)
પાવ ભાજી મસાલો બનાવવાની રીત
એક પેનમાં ધાણા, જીરુ, સૂકા લાલ મરચાં, કાળા મરી, લવિંગ, મોટી એલચી, તજ અને વરિયાળી ઉમેરો. મધ્યમ તાપ પર 2થી3 મિનિટ સુધી સુવાસ આવે ત્યાં સુધી શેકી લો.
નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ પનીર કાઠી રોલ, જાણો રેસીપી
શેકેલા આ મસાલાને પેન પરથી ઉતારી ઠંડો થવા દો. ઠંડા થયેલા આ મસાલાને મિક્સી ગ્રાઇન્ડર કે પથ્થર પર પાઉડર થાય એ રીતે વાટી લો.
આ પાવડરમાં હિંગ, આમચૂર પાઉડર અને દળેલી સાકર ઉમેરી બરોબર મિક્સ કરી લો. હોટલ સ્ટાઇલ પાવ ભાજી મસાલો તૈયાર છે. જેને એરટાઇટ ડબ્બામાં ભરી રાખી શકો છો. આ મસાલો અન્ય દાળ શાક માટે પણ ઉપયોગમાં લઇ શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us