Paneer Quality Check Tips And Tricks In Gujarati : પનીર દૂધ માંથી બને છે. તહેવાર હોય કે લગ્નપ્રસંગમાં પનીરની સબ્જી જરૂર હોય છે. પનીર માંથી બનેલી વાનગી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. જો કે આજકાલ નકલી પનીરના સમાચાર ઘણા સાંભળવા મળે છે. ખાસ કરીને તહેવારોમાં પનીરમાં ભેળસેળ વધારે થાય છે. નકલી કે હલકી ગુણવત્તાવાળું પનીર આરોગ્યને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં તમે બજારમાંથી ખરીદેલું પનીર અસલી છે કે નકલી તે ચેક કરવું જરૂરી છે. અહીં અમુક સરળ રીત જણાવી છે, જેને અનુસરી તમે સરળતાથી પનીર અસલી છે કે નકલી તે ચેક કરી શકાય છે.
આયોડિન ટેસ્ટ
પનીર અસલી છે કે નકલી તે તપાસવા માટે આયોડિન ટેસ્ટ કરી શકાય છે. સૌથી પહેલા પનીરને ગરમ પાણીમાં 2 મિનિટ સુધી ડુબાડો. ત્યાર પછી આ પનીર ઉપર આયોડિન મીઠુંના દ્રાવણના 2 થી 3 ટીંપા નાંખો. જો પનીરનો કલર બદલાય જાય તો સમજવું કે પનીર ભેલસેળવાળું છે.
ગરમ પાણી
એક વાસણમાં પાણી ગરમ કરો. ત્યાર પછી પનીરને 5 થી 10 મિનિટ સુધી ડુબાડી રાખો. હવે પાણીમાં થયેલા ફેરફારને ધ્યાનથી જુઓ. જો પાણીનો રંગ બદલાય જાય તો પનીરમાં ભેળસેળ હોઇ શકે છે. ગરમ પાણીમાં પણ અસલી પનીરના રંગ, સુગંઘ અને સ્વાદ બદલાતા નથી. જ્યારે નકલી પનીર તુટવા લાગે છે. ગરમ પાણીમાં પનીરમાંથી સફેદ ફીણ કે ચકણો પદાર્થ નીકળે છે, તો સમજવું કે તેમા ભેળસેળ થયેલી છે.
તુવેર દાળ અને સોયાબીન ઉમેરો
બજાર માંથી પનીર ખરીદ્યા બાદ પાણીમાં ઉકાળો. ત્યાર પછી પાણી માંથી પનીરને બહાર કાંઢી લો. હવે પનીર પર તુવેર દાળ કે સોયાબીનનો પાઉડર ભભરાવી 15 મિનિટ સુધી રાખી મૂકો. જો પનીરનો રંગ લાલ થઇ જાય તો સમજવું કે તેમા ભેળસેળ છે. નકલી પનીરમાં યુરિયા કે ડિટર્જન્ટની ભેળસેળ હોઇ શકે છે.
નકલી પનીર શેમાંથી બને છે?
પનીરમાં ભેળસેળ માટે તેલ, સ્ટાર્ચ, ડિટર્જન્ટ અને કેમિકલનો ઉપયોગ થાય છે. નકલી પનીર બનાવવામાં દૂધ વપરાતું જ નથી. તેમા સસ્તા કેમિકલ ઉમેરી પનીર બનાવાય છે.
ભેળસેળ વાળું પનીર ખાવાના ગેરફાયદા
નકલી કે સિન્થેટિક પનીર ખાવાથી શરીરને ગંભીર નુકસાન થાય છે. અસલી પનીરની તુલનામાં સિન્થેટિક પનીરમાં વધારે ફેટ અને કોલેસ્ટ્રોલ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. પનીર પ્રોટીનથી ભરપૂર હોય છે, પરંતુ નકલી પનીર ખાવાથી ઉલટી ઝાડા થઇ શકે છે.
પનીર ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો
પનીર ખરીદતી વખતે બહુ કાળજી રાખવી. બજારમાંથી છુટક પનીર ખરીદવાનું ટાળવું જોઇએ, કારણ કે તેમા વધારે ભેળસેળ થવાનું જોખમ રહે છે. પનીર હંમેશા સારી ક્વોલિટીનું અને બ્રાન્ડેડ જ ખરીદવું જોઇએ. હંમેશા પેકેટમાં વેચાતું પનીર જ ખરીદવું જોઇએ. પનીરના પેકેટ પર લખેલી વિગત ધ્યાનથી વાંચવી જોઇએ. જો પેકેટના લેબલ પર દૂધ, સોલિંગ અને સાઇટ્રિક એસીડ લખેલું હોય તો, તેનો અર્થ છે કે તે અસલી છે. જો પેકેટ પર વેજિટેબલ ઓઇલ કે સ્ટાર્ચ લખેલું છે, તો નકલી પનીર હોઇ શકે છે.





