How To Shine Gold Silver jewellery At Home : દિવાળીના તહેવારની તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે લોકો પોતાના માટે નવા કપડા, જુતા ચપ્પલ અને દાગીના પણ ખરીદી રહ્યા છે. ખાસ કરીને દિવાળીના અવસર પર મહિલાઓ તેમના સોના અને ચાંદીના દાગીના પણ સાફ કરે છે.
ઘણી વખત મહિલાઓ પોતાના સોના અને ચાંદીના દાગીના સાફ કરવા જ્વેલરીની દુકાન પર જાય છે. જો કે, સમયના અભાવે દર વખતે જ્વેલરીની દુકાનની મુલાકાત લેવી શક્ય નથી. આવી સ્થિતિમાં, કેટલાક સરળ ઉપાયો અપનાવી તમે ઘરે જ જૂના ઝવેરાતને સરળતાથી સાફ કરી શકો છો.
સોનાના દાગીના કેવી રીતે સાફ કરવા
સોનાના દાગીનાને સાફ કરવા માટે પહેલા એક બાઉલમાં ગરમ પાણી લો અને તેમાં થોડુંક ડિશવોશ લિક્વિડ ઉમેરો. હવે તેમા દાગીના 15-20 મિનિટ સુધી પલાળી રાખો. આ પછી, નરમ બ્રશ વડે હળવા હાથથી ઘસો અને ચોખ્ખા કપડા વડે સાફ કરી લો. આ રીતે જ્વેલરી પર જે ગંદકી અને પરસેવો જમા થયો છે તે સરળતાથી સાફ થઈ જશે.
ચાંદીના દાગીના કેવી રીતે સાફ કરવા
ચાંદીના દાગીનાને સાફ કરવા માટે, તમે બેકિંગ સોડા અને એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકો છો. આ માટે, એક બાઉલમાં એલ્યુમિનિયમ ફોઇલ મૂકો. હવે ગરમ પાણી અને એક ચમચી બેકિંગ સોડા ઉમેરો. ત્યાર પછી, તેમાં ચાંદીના દાગીના થોડી મિનિટ માટે રાખી દો. પછી લીંબુ અને મીઠાનું મિશ્રણ બનાવો અને બ્રશ વડે ચાંદીના દાગીના સાફ કરો. આમ કરવાથી ચાંદીના દાગીના નવા જેવા ચમકવા લાગશે.
ટૂથપેસ્ટ વડે દાગીના સાફ કરો
તમે ટૂથપેસ્ટ વડે સોના ચાંદીના દાગીના સાફ કરી શકો છો. આ માટે, સૌ પ્રથમ, જૂના ટૂથબ્રશની મદદથી જ્વેલરીને હળવા હાથથી ઘસો. હવે નવશેકા પાણીથી ધોઈ લો અને તેને સૂકા કપડાથી સાફ કરો. તેનાથી સોના અને ચાંદીના દાગીનાની ચમક વધે છે.
સરકો અને બેકિંગ સોડા
તમે વિનેગર અને બેકિંગ સોડાથી સોના અને ચાંદીના દાગીનાને પણ સાફ કરી શકો છો. આ માટે, એક બાઉલમાં અડધો કપ સફેદ સરકો અને બે ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. હવે તેમાં જ્વેલરીને 10 મિનિટ સુધી પલાળી રાખો. થોડા સમય પછી, તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને સ્વચ્છ કાપડ વડે લુંછી લો. તમારા જુના દાગીના નવા જેવા ચમકવા લાગશે.