How to manage Cholesterol: કોલેસ્ટ્રોલ ઘટાડવા શું કરવું જોઇએ એ સમજતાં પહેલા કોલેસ્ટ્રોલ એટલે શું? એ જાણવું જરુરી છે. શરીર દ્વારા ઉત્પન્ન થતી ચરબીને કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. જે ચરબીયુક્ત પદાર્થ છે અને લોહીમાં ફરે છે. શરીરમાં મોટા ભાગે કોલેસ્ટ્રોલ યકૃતમાં ઉત્પન્ન થાય છે અને લિપોપ્રોટીન દ્વારા લોહીમાં વહન કરે છે. કોલેસ્ટ્રોલના બે પ્રકાર છે એક સારો કોલેસ્ટ્રોલ (HDL) અને બીજો ખરાબ કોલેસ્ટ્રોલ જે LDL તરીકે ઓળખાય છે.
કોલેસ્ટ્રોલ શરીરના કોષોના સુગમ કાર્ય, વિટામિન ડી ઉત્પાદન અને હોર્મોન્સ ઉત્પાદન માટે ખાસ જરુરી છે. પરંતુ જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે ત્યારે તે સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓનું કારણ બને છે. ખરાબ કોલેસ્ટ્રોલ ધમનીઓની દિવાલમાં જમા થાય છે. જેનાથી ધમનીઓ સાંકડી અને સખત બને છે. જેનાથી ધમનીઓમાં રક્ત પ્રવાહ અવરોધાય છે અને હ્રદય રોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે.
ખરાબ કોલેસ્ટ્રોલ શરીર માટે નુકસાન કારક છે તો એનાથી વિપરીત સારો કોલેસ્ટ્રોલ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણો ઉપયોગી છે. સારો કોલેસ્ટ્રોલ લોહીમાં વહેતા વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને તેને યકૃતમાં પાછો લઇ જાય છે. યકૃત જેને શરીરમાંથી દૂર કરવામાં મદદ કરે છે. આમ HDL કોલેસ્ટ્રોલ હ્રદય રોગનું જોખમ ઓછું કરવામાં મદદ કરી શકે છે.
હવે જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે ત્યારે કેટલાક લોકો દવાઓ લે છે. જોકે ડો. યોગ વિદ્યાના જણાવ્યા અનુસાર દવા લીધા વિના યોગ્ય આહાર લેવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. ડો.વિદ્યા જણાવે છે કે, કોલેસ્ટ્રોલ વધવાની જાણ થતાં કેટલાક લોકો દવાઓ લે છે અને તેની સાથે તેલમાં તળેલો ખોરાક પણ ખાય છે. જે યોગ્ય નથી.
યોગ્ય ખોરાક ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરી શકાય છે એ ઉપર ભાર મુકતાં તે જણાવે છે કે, કોલેસ્ટ્રોલની દવાઓ લાંબા સમય સુધી લેવાથી લાંબે ગાળે યાદશક્તિ ઓછી થાય છે. જો તમે પાંચ વર્ષથી આ પ્રકારની દવાઓ લઇ રહ્યા છો તો યાદશક્તિ ધીરે ધીરે ઓછી થઇ શકે છે. જેથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે યોગ્ય આહાર વધુ શ્રેષ્ઠ છે.
તેલયુક્ત ખોરાક ખાવાથી ટાળવાની ટકોર કરતાં ડો. વિદ્યા જણાવે છે કે, યોગ્ય આહાર ખાવો કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે શ્રેષ્ઠ છે. તમારા આહારમાં લીંબુ, આદુ, જીરુ, મરી, લસણ અને ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઇએ. જેનાથી કોલેસ્ટ્રોલ ધીમે ધીમે ઘટશે. વધુમાં નિયમિત રીતે ચાલવાથી પણ તમને કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યાથી છૂટકારો મળી શકે છે એમ તેણીએ જણાવ્યું.
ઉંમર મુજબ કોલેસ્ટ્રોલ સ્તર કેટલું હોવું જોઇએ? વધુ વાંચો
ઉપરોક્ત લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે અને તેનો હેતુ વ્યવસાયિક તબીબી સલાહનો વિકલ્પ બનવાનો નથી. સ્વાસ્થ્ય અને તબીબી સંબંધિત કોઇ પણ પ્રશ્નો માટે હંમેશા તમારા ડોક્ટર અથવા યોગ્ય આરોગ્ય વ્યવસાયિકનું માર્ગદર્શન જરુર મેળવો.