પરિવાર શબ્દ જાણે સમયની સાથે જાણે નાનો થતો જઇ રહ્યો છે. પરિવાર સાથે જોડાયેલી લાગણી, હૂંફ અને પ્રેમ દિવસે દિવસે ટૂંકા થઇ રહ્યા છે. આ સંજોગોમાં પરિવાર એકબીજા સાથે જોડાયેલો રહે છે એ સમાજ માટે અતિ આવશ્યક છે. સમાજમાં આ ભાવના જળવાઇ રહે એ આજની તાતી જરૂરીયાત છે. પરિવારોનું મહત્વ અને સમાજમાં એની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે 15 મે ના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ સમાજમાં પરિવાર અને તેમના અનન્ય બંધનને મજબૂત કરવાનો છે.
વિશ્વમાં દર વર્ષે અલગ અલગ થીમ સાથે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવામાં આવે છે. ગત વર્ષે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની થીમ પરિવાર અને શહેરીકરણ હતી આ વર્ષે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ 2023 ની થીમ ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ છે.
ભારત સહિત વિશ્વમાં આંતર રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટસમાં નેશનલ કાઉન્સિલ ઓન ફેમિલી રિલેશન્સ, ફેમિલી રિસોર્સ કોએલિશન ઓફ એમેરિકા અને નેશનલ ફેમિલી પ્લાનિંગ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ એસોસિએસન સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા વિશેષ રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ એટલા માટે મહત્વનો છે કે આજે સમયની સાથે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ટેકનોલોજીના જમાનામાં દુનિયા એકબીજાથી નજીક આવી રહી છે ત્યાં વ્યક્તિ જાણે એકબીજાથી દૂર જઇ રહ્યા છે. આ સંજોગોમાં વ્યક્તિ અને પરિવારને એકબીજાથી જોડી રાખવા અને એમની વચ્ચેના સંબંધ ગાઢ બની રહે, લાગણીનું બંધન અકબંધ રહે છે એ જરૂરી છે અને એટલા માટે આ દિવસનું મહત્વ વિશેષ છે.
વર્ષ 1993 માં યુનાઇટેડ નેશન્સ જનરસ એસેમ્બલીએ પરિવારોના આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. જેનો ઉદ્દેશ સમાજના મૂળભૂત એકમ તરીકે પરિવારો એકબીજા સાથે જોડાયેલા રહે એ હતો. આ દિવસની ઉજવણીથી સમાજમાં પરિવારના મહત્વ અંગે જાગૃતિ લાવવા પર ભાર મુકવામાં આવે છે. વિશ્વમાં વર્ષ 1994 માં પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.